સીટીંગ લેબર કાઉન્સિલર જીન ખોટેના ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા મૃત્યુ પછી ખાલી પડેલી લેસ્ટર સિટી કાઉન્સિલની નોર્થ એવિંગ્ટન બેઠકની પેટાચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો દેખાઇ રહ્યો છે અને એક બેઠક માટે નવ ઉમેદવારો લડત લડી રહ્યા છે. આ મતદાન એક વર્ષ પહેલા થવું જોઈતું હતું પરંતુ કોરોનાવાયરસના કારણે ચૂંટણીઓ પાછી ઠેલાઇ હતી.
લેબર હાલમાં કાઉન્સિલ પર પ્રભુત્વ ધરાવે છે, જેમાં 54 માંથી 51 બેઠકો લેબરની છે. જ્યારે એક કાઉન્સિલર લિબરલ ડેમોક્રેટના અને એક કાઉન્સિલર ઇન્ડીપેન્ડન્ટ છે.
આ ચૂંટણીમાં આસિયા બોરા – ગ્રીન પાર્ટી; કુમારન બોઝ – ટ્રેડ યુનિયન અને સોશ્યાલીસ્ટ; એન્ડ્રીઆ બર્ફોર્ડ – કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બ્રિટન; ડેવિડ હસલેટ – બ્રિટન મુવમેન્ટ; અબ્દુલ ઉસ્માન – કન્ઝર્વેટિવ; વનદેવી પંડ્યા – લેબર; ચરણિત સિંહ સાગુ – અપક્ષ; આસિત સોઢા – લિબરલ ડેમોક્રેટ્સ અને રાજ સોલંકી – રિફોર્મ યુકે તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
શહેરના ચૂંટાયેલા મેયર હાલમાં લેબરના સર પીટર સોલસ્બી છે અને નવા મેયરની ચૂંટણી 2023માં થનાર છે. પરંતુ શહેરના રહેવાસીઓ તા. 6 મેના ગુરુવારે લેસ્ટર સીટી, લેસ્ટરશાયર અને રટલેન્ડ માટે નવા પોલીસ અને ક્રાઇમ કમિશનરને મત આપનાર છે.
લેબરના લોર્ડ વિલી બેચ નિવૃત્ત થઈ રહ્યા છે – જેમની મુદત રોગચાળાને કારણે એક વર્ષ માટે વધારવામાં આવી હતી. ત્રણ ઉમેદવારો તેમનુ પદ મેળવવા ચૂંટણી લડશે.