દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
આ સમગ્ર સિસ્ટમમાં લેન્સ અને અરીસાઓના જટિલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. ચૈત્ર મહિનાની નોમ ભગવાન રામનો જન્મદિન છે. સૂર્ય તિલક સિસ્ટમ CSIR-સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરાઇ છે. તે બપોરે 12 વાગ્યાથી લગભગ છ મિનિટ સુધી રામ લલ્લાની મૂર્તિના કપાળ પર સૂર્યના કિરણને વાળશે.
ભારતના જાણીતા અવકાશ વૈજ્ઞાનિકોની સલાહ પર મૂર્તિની લંબાઈ અને તેના સ્થાપનની ઊંચાઈ એવી રીતે રાખવામાં આવી છે કે દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો ભગવાન શ્રી રામના કપાળ પર પડે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા. તેથી સૂર્ય તિલકની પરંપરા છે.