યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે વિશ્વમાં દર 11 મિનિટે એક મહિલા કે યુવતીની તેના જીવનસાથી અથવા પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવે છે. મહિલાઓ સામેની હિંસા વિશ્વમાં સૌથી વધુ વ્યાપક “માનવ અધિકારોનું ઉલ્લંઘન” છે અને આ સમસ્યાના ઉકેલ માટે સરકારોએ રાષ્ટ્રીય કાર્ય યોજનાઓનો અમલ કરવો જોઇએ.
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી ગુટેરેસે 25 નવેમ્બરના રોજ મનાવવામાં આવતા ‘મહિલા સામેની હિંસાની નાબૂદી’ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ પહેલા આ ટિપ્પણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે “મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા વિશ્વમાં સૌથી વધુ વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘન છે. દર 11 મિનિટે એક સ્ત્રી અથવા છોકરીની ઘનિષ્ઠ ભાગીદાર અથવા કુટુંબના સભ્ય દ્વારા હત્યા કરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે કોવિડ-19 મહામારીથી લઇને આર્થિક મુશ્કેલી જેવા બીજા તનાવ અનિવાર્યપણે વધુ શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર તરફ દોરી જાય છે.”
યુએન મહાસચિવે વિશ્વભરની સરકારોને અપીલ કરી છે કે, મહિલા અધિકાર સાથે સબંધિત ઓર્ગેનાઈઝેશન અને આંદોલનોના ફંડિંગમાં 2026 સુધી 50% નો વધારો કરવામાં આવે. તેમણે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ થનારી ઓનલાઈન હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ ઓનલાઈન પ્લેટફોર્મ પર હેટ સ્પીચ, જાતીય સતામણી, ઈમેજ એબ્યુઝ જેવી ફરિયાદો સામે આવી રહી છે.