અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, તેમની સામે તહોમતનામુ મુકાશે તો પણ તેઓ પ્રેસિડેન્ટપદ માટે તેમનું કેમ્પઇન ચાલુ રાખશે. ટ્રમ્પે વાર્ષિક કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં સંબોધન વખતે હતું કે, હું આ કેમ્પઇન છોડવાનું વિચારી પણ શકતો નથી. તેમની સામે 2020ની ચૂંટણીના પરિણામોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ થઇ હોવાથી તેઓ તપાસનો સામનો કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પોતાને એક માત્ર રીપબ્લિકન ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા જે વ્હાઇટ હાઉસમાં પહોંચી શકે છે. જોકે, તેમણે પોતાના સંભવિત હરીફોની સીધી ટીકા કરવાનું ટાળ્યું હતું. અને તેમણે કોન્ફરન્સમાં પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે, આપણે જે કામ શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, આપણે અંતિમ વિજય સુધી આ લડાઈ લડીશું.એક સમયે પ્રેસિડેન્ટ પદના રીપબ્લિકન ઉમેદવારો માટે આ કોન્ફરન્સમાં જવું ફરજિયાત હતું. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ ટ્રમ્પ સામેના મુખ્ય હરીફ મનાય છે.