ભારતીય મૂળના, ડિયાજિયોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ અને એક દાયકા સુધી FTSE 100 ડ્રિંક્સ કંપનીનું નેતૃત્વ કરી જોની વોકરને પુનર્જીવિત કરનાર સર ઇવાન મેનેઝીસનું 7 જૂન, 2023ના રોજ 63 વર્ષની વયે ઇમરજન્સી સર્જરીની જટિલતાઓને પગલે અવસાન થયું હતું.
સર ઇવાન મેનેઝીસે તેમની કારકિર્દીની શરૂઆત કોફી, કન્ફેક્શનરી, ડીશવોશર અને રેફ્રિજરેટર્સ વેચીને કરી હતી. 38 વર્ષની વયે તેઓ ડ્રિંક્સ ઉદ્યોગ વધુ સારો રહેશે એમ વિચારી ગિનીસ તથા ગ્રાન્ડ મેટ્રોપોલિટનના વિલીનીકરણના થોડા મહિના પહેલા જ ડ્રિંક્સ ઉદ્યોગ ડિયાજીઓમાં જોડાયા હતા અને માત્ર 16 વર્ષની અંદર જ તેઓ સંયુક્ત જૂથના ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા.
ગિનિસ સ્ટાઉટની સાથે સાથે, FTSE 100 કંપની ડિયાજીઓ હાલમાં ગોર્ડન્સ, ટેન્ક્વેરી જીન્સ, સ્મર્નોફ વોડકા, બેઇલીઝ લિકર, જોહ્ની વોકર, લાગાવુલિન અને ભારતની ટોચની વિક્રેતા, મેક્ડોનાલ્ડ સહિત અનેક વ્હિસ્કી બ્રાન્ડની માલિકી ધરાવે છે. તે સ્કોચ અને કેનેડિયન વ્હિસ્કી, વોડકા, જિન, રમ અને કુંવરપાઠામાંથી બનાવેલો મેક્સિકોના દારૂના સૌથી મોટા ઉત્પાદક છે. તેમણે ગિનીસ અને જોની વોકરને પુનર્જીવિત કર્યા હતાં. તેમણે અભિનેતા જ્યોર્જ ક્લુની દ્વારા સહ-સ્થાપિત બ્રાન્ડ કાસામિગોસ પર $1 બિલિયનનો ખર્ચ કર્યો હતો. 2013માં તેઓ ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા.
શાંત મગજના મેનેઝીસ મોટાભાગે પ્રસિદ્ધિથી દૂર રહેતા. પરંતુ તેઓ કેમેરાની સામે જોલી થઇ જતા. તેમના ઇંગ્લિશના ઉચ્ચારો તેમના ભારતીય મૂળની નિશાની ધરાવતો હતો. સામાન્ય રીતે તેઓ ડિયાજિયોની સોહો સ્થિત હેડ ઑફિસમાં સ્ટાફ કેન્ટીનમાં જ લંચ લેતા.
ઇવાન મેન્યુઅલ મેનેઝીસનો જન્મ 1959માં પુણે, ભારતમાં થયો હતો, તે નીના અને ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન મેન્યુઅલ મેનેઝીસના સૌથી નાના સંતાન હતા. ઇવાનના મોટા ભાઈ, વિક્ટર, સિટીબેંકના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ હતા. તો તેમના બીજા ભાઈ માઈકલ ટોરોન્ટોમાં નિવૃત્ત થયા હતા અને એક બહેન મારીસા સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે. ભારતમાં બાળપણ વિતાવનાર ઇવાને માઉન્ટ આબુની સેન્ટ મેરી સ્કૂલમાંથી શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગણિત સાથે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદમાં બિઝનેસ પોલિસી, માર્કેટિંગ અને ફાઇનાન્સમાં અનુસ્નાતક મેનેજમેન્ટ ડિપ્લોમા લીધો હતો. સેન્ટ સ્ટીફન્સ ખાતે જ તેઓ ભાવિ પત્ની શિબાની (ગોપા)ને મળ્યા હતા જે પત્રકાર બની હતી.
સ્નાતક થયા પછી, તેઓ નેસ્લેની ભારતીય શાખામાં જોડાયા હતા. તે પછી ઇલિનોઇમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં MBA કરવા યુએસ ગયા હતા.
મેનેઝીસ અને ગોપાએ 1984માં લગ્ન કર્યા હતા.તેમની પુત્રી, રોહિણી, લંડનમાં માસ્ટરકાર્ડ માટે કામ કરે છે, અને તેમનો પુત્ર, નિખિલ, પ્રિન્સટનમાં પીએચડી માટે અભ્યાસ કરે છે.
નેસ્લેથી, મેનેઝીસ શિકાગો અને લંડનમાં કન્સલ્ટિંગ ફર્મ બૂઝ એલન હેમિલ્ટનના પ્રિન્સિપાલ બન્યા હતા. તે પછી વ્હર્લપૂલ યુરોપ માટે કામ કરવા મિલાન ગયા હતા. 1997માં તેઓ ગિનીસમાં સ્ટ્રેટેજી ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. તે પછીના વર્ષે, UK, US અને ભારતીય વિદેશી નાગરિકતા સાથે, તેઓ UDV ના વૈશ્વિક માર્કેટિંગ ડિરેક્ટર બન્યા હતા.
કામની બહાર ઇવાન મેનેઝીસ થિયેટર અને ક્રિકેટના ચાહક હતા, તેમજ ચેરિટી સાથે કામ કરતા હતા. તેઓ સ્કોચ વ્હિસ્કી એસોસિએશનની કાઉન્સિલના અધ્યક્ષ હતા અને કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં વૈશ્વિક સલાહકાર બોર્ડના સભ્ય અને રોયલ શેક્સપિયર કંપનીના પેટ્રન હતા. તેમને વ્યવસાય અને સમાનતા માટેની સેવાઓ માટે નાઈટહૂડનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મેનેઝીસ નિયમિતપણે નાની થિયેટર કંપનીઓને દાન આપતા. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટના પ્રખર ચાહક હતા અને ડિયાજિયો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નામ તેની સ્થાનિક વ્હિસ્કી બ્રાન્ડ પરથી રાખવામાં આવ્યું છે. તેઓ ટેનિસપણ રમતા અને દર શનિવારે સવારે વેન્ટવર્થ ખાતેના ગોલ્ફ કોર્સ પર જતા. તેમને ઇટાલિયન વાનગીઓ રાંધવાનો શોખ હતો.
ઇવાન નમ્ર, દયાળુ અને ઉદાર માણસ હતા: દિન્યાર દેવિત્રે
પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન અને અલ્ટ્રિયા ગ્રુપ ઇન્કના ભૂતપૂર્વ સીએફઓ દિન્યાર દેવિત્રેએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ઇવાન મેનેઝીસનું અકાળે અવસાન માત્ર તેમના પરિવાર અને વિશ્વભરના મિત્રો માટે જ નહીં પરંતુ યુકે માટે પણ વિનાશક નુકશાન છે. તેઓ એક સ્વાભાવિક નેતા હતા અને ડિયાજીઓ માટે શાનદાર પરિણામો લાવ્યા હતા. તેમણે લગભગ 10 વર્ષ સુધી કંપનીનું શાનદાર નેતૃત્વ કર્યું હતું. પરંતુ અન્ય ઘણા સીઈઓથી તેઓ નમ્ર અને દયાળુ હતા. તેઓ એક ભવ્ય અને ઉદાર માણસ પણ હતા. ઇવાન પાસે વિશ્વભરમાં મિત્રોનું વિશાળ નેટવર્ક હતું. તેમણે ટૂંકા જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે તેના માટે જ નહીં, પણ તેમના માનવીય ગુણો માટે પણ તેમનું સન્માન કરાતું હતું.’’
એરિસ્ટોટલે પણ ઇવાનની ઈર્ષ્યા કરી હશે: અરવિંદ સુબ્રમણ્યન
સર ઇવાન્સ જ્યાં ભણ્યા હતા તે 1979ના સેન્ટ સ્ટીફન્સ કોલેજના ઇકોનોમિક્સ (ઓનર્સ)ના સાથે વિદ્યાર્થી અરવિંદ સુબ્રમણ્યને સર ઇવાન્સને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મજાકમાં કહું તો મારો પહેલો “પ્રેમ” ઇવાન હતો. સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અમે બ્રિજ પાર્ટનર હતા, કૉલેજ હ્યુમર મેગેઝિન ‘કુલર ટોક’ના સહકર્મીઓ હતા, લગભગ પાંચ વર્ષ સુધી અવિભાજ્ય મિત્રો હતા. ઇવાન માત્ર બે લોકોમાંનો એક હતો જેની સાથે હું આંસુ આવી જાય અને બેવડ વળી જવાય તેવું ખડખડાટ હસ્યો છું. ઇવાન સાથેની મિત્રતા અદભૂત હતી. ઇવાન એક સાચો “કૌટુંબીક માણસ હતો. મેનેઝીસ પરિવારે અસંખ્ય સંબંધીઓ અને મિત્રોને આતિથ્ય અને હૂંફ આપી છે જે માના મૂળમાં તેની બબલી, ઉદાર પત્ની ગોપા અને મેનેઝીસ પરિવારનો સમૂહ છે. ઇવાનની નિર્ણાયક નિર્ણય લેવાની ક્ષમતા અનન્ય હતી. સફળતાના શિખર પર પહોંચેલા ઇવાન ઇવાન પાસે અસાધારણ સફળતા; પ્રેમાળ કુટુંબ; મિત્રો અને વિશાળ વર્તુળ હતું. તે સારી રીતે અને સન્માનપૂર્વક જીવ્યો હતો. એરિસ્ટોટલે પણ ઇવાનની ઈર્ષ્યા કરી હશે.