વ્યાજદરમાં સતત વધારો અને ઊર્જાના ઊંચા ભાવને પગલે યુરોપનું અર્થતંત્ર ચાલુ વર્ષના પ્રારંભમાં ટેકનિકલ મંદીમાં પ્રવેશ્યું હતું. યુરોપના અર્થતંત્રમાં 2022ના ચોથા ક્વાર્ટરમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ તેના અર્થતંત્રમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. આમ સતત બે ક્વાર્ટર સુધી અર્થતંત્રમાં ઘટાડો થાય ત્યારે તેને ટેકનિકલ ભાષામાં મંદી કહેવામાં આવે છે.
20 દેશોના બનેલા યુરોઝોનના આર્થિક વૃદ્ધિના ડેટામાં ઘટાડા તરફી સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલા ડેટામાં 2022ના ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઝીરોથી ઘટાડીને માઇનસ 0.1 ટકા કરાઈ છે, જ્યારે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિના માટેના ડેટાને 0.1 ટકાથી ઘટાડીને માઇનસ 0.1 ટકા કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ કે યુરોઝોને સતત બે ક્વાર્ટર માટે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
જો કે, યુરોઝોનમાં મંદી જાહેર કરતી પેનલ પરના અર્થશાસ્ત્રીઓ બેરોજગારીના આંકડા સહિત વ્યાપક ડેટાનો ઉપયોગ કરે છે. તાજેતરના આર્થિક આંચકા સામે યુરોપિયન લેબર માર્કેટ તુલનાત્મક રીતે મજબૂત રહ્યું છે. એપ્રિલમાં ફુગાવો 6.5 ટકા પર પહોંચ્યો હતો, જે સેન્ટ્રલ બેન્કના બે ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો ઊંચો છે. યુરોપના પરિવારો જીવનજરૂરી ચીજવસ્તુઓના ઊંચા ભાવો, લોન પરના ઊંચા વ્યાજ અને જીવનનિર્વાણના ઊંચા ખર્ચનો સામનો કરી રહ્યાં છે. ઊંચા ફુગાવા અને ઊંચા વ્યાજદરને કારણે માગમાં ઘટાડો થઈ રહ્યો છે. ગ્રાહકખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે.