યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે યુરોપિયન યુનિયન (ઇયુ)ના દેશો રશિયાના ક્રૂડ ઓઇલ પર ભાવ મર્યાદા તેમજ અન્ય નવા પ્રતિબંધો લાદવા સંમત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સહિતના કેટલાંક દેશો રશિયામાંથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ દેશોને યુરોપના પ્રતિબંધથી શું અસર થશે તે અંગે સ્પષ્ટ બન્યું નથી.
રશિયાએ તાજેતરમાં યુક્રેનના ચાર પ્રાંતને પોતાની સાથે ભેળવવાનો નિર્ણય લીધા પછી ઇયુએ કડક પગલાની જાહેરાત કરી હતી.
ઇયુ પ્રેસિડેન્સીના સત્તાવાર નિવેદન અનુસાર “૨૭ દેશનું આ જૂથ દરિયાઇ માર્ગે અન્ય દેશોને ભાવ મર્યાદાથી ઊંચા ભાવે રશિયન ક્રૂડની હેરફેર પર પ્રતિબંધ લાદશે. ૫ ડિસેમ્બર સુધીમાં આ નિયંત્રણના અમલ માટે ઇયુ ઇચ્છુક છે. લગભગ આ જ સમયે રશિયાના મોટા ભાગના ક્રૂડ સોદા પર ઇયુના પ્રતિબંધ લાગુ થાય છે.” રશિયન ક્રૂડની ભાવિ ટોચમર્યાદા માટે ચોક્કસ ભાવ નક્કી કરાયો નથી.
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉરસુલા વોન ડર લિયને ગયા સપ્તાહે નવા પ્રતિબંધોનું પેકેજ જાહેર કર્યું હતું. ખાસ કરીને રશિયન પ્રેસિડેન્ટ પુતિન દ્વારા પરમાણુ હુમલાની ધમકી અને યુક્રેનના ચાર પ્રાંતને પોતાની સાથે ભેળવવાના પગલાથી યુરોપિયન યુનિયન નવા પ્રતિબંધ લાદવા સક્રિય બન્યું છે. લિયને જણાવ્યું હતું કે, “અમે ઝડપી અને નિર્ણાયક પગલું લીધું છે. અમે પુતિનના કોઈ જનમત સંગ્રહ કે યુક્રેનના પ્રાંતોને આઝાદ કરવાની જાહેરાતને ક્યારેય સ્વીકારીશું નહીં. અમે રશિયાને તેના અપરાધોનો પાઠ ભણાવવા કટિબદ્ધ છીએ.” ઇયુએ સ્ટીલ પ્રોડક્ટ્સ, લાકડાનો પલ્પ, પેપર, મશિનરી, એપ્લાયન્સિસ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સિગરેટની આયાત પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. વધુમાં રશિયાની કંપનીઓને આઇટી, એન્જિનિયરિંગ અને કાનૂની સેવાઓ પૂરી પાડવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે, જે ટૂંક સમયમાં લાગુ થશે