જર્મનીમાં વિનાશક પૂરનો મૃત્યુઆંક વધીને 156 થયો છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. આની સાથે પશ્ચિમ યુરોપમાં આ કુદરતી આપત્તિનો મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 183 થયો હતો. પડોશી દેશ બેલ્જિયમમાં પણ પૂરથી 27 લોકોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે પશ્ચિમ જર્મનીના રાઇનેલેન્ડ-પેલેટિનેટ રાજ્યને સૌથી વધુ અસર થઈ હતી અને માત્ર એક રાજ્યમાં 110ના મોત થયા હતા. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પશ્ચિમ યુરોપના જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ જેવા દેશોમાં છેલ્લા એક સપ્તાહથી અતિભારે વરસાદના કારણે આવેલા વિનાશક પૂરમાં ૧,૦૦૦થી વધુ લોકો લાપતા બન્યા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા જર્મનીમાં રવિવારે પૂરમાં થયેલા મોતનો આંકડો ૧56 થયો હતો. ૧૯૬૨ પછી જર્મનીમાં આ સૌથી વિનાશક પૂર છે.
જર્મનીમાં રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. મોટા ભાગના વિસ્તારોમાં વીજળી અને ટેલિફોનની સેવાઓ ઠપ થઈ ગઈ હતી. નેધરલેન્ડમાં પૂરે ભારે વિનાશ વેર્યો હતો. બુંદે, વાઉલવેમ્સ, બ્રોમલિન અને ગુલ્લે સહિતા હજારો લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંખ્યાબંધ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણીઓ અપાઈ છે. એક જર્મન અધિકારીએ જણાવ્યું છે કે પૂરના વિનાશનો વ્યાપ એટલો બધો છે કે જર્મનીને અબજો યુરોનું નુકસાન થયું છે.