યુરો કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ઇટાલી સામે રવિવાર 11 જુલાઇના રોજ હાર થયા બાદ ઉજવણી અને શોક બંને જોવા મળ્યા હતા. કમનસીબે આ વખતે ઇંગ્લેન્ડના ચાહકોનુ કદરૂપું પાસુ જોવા મળ્યું હતું. ફાઇનલ મેચમાં થયેલી હાર બદલ ઇંગ્લીશ ટીમના ખેલાડીઓ માર્કસ રેશફોર્ડ, જેડોન સાંચો અને બુકાયો સાકાને દોષી ઠેરવી તેમને નિશાન બનાવીને કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર આક્રમક રેસીસ્ટ સંદેશાઓ સાથે “ફોર્ઝા ઇટાલિયા”ને હેશટેગ્સ કરી રેસીસ્ટ પોસ્ટ્સ મૂકી હુમલા કર્યા હતા. આ બનાવોએ બ્રિટનમાં રેસીઝમ કેટલું પ્રબળ છે તે બતાવ્યું હતું. આ રેસીસ્ટ હુમલાઓને વડાપ્રધાન, હોમ સેક્રેટરી અને મેયર સહિતના મોટા ભાગના રાજકીય નેતાઓ અને ફૂટબોલ ટીમના વડા સાઉથગેટે વખોડી કાઢ્યા હતા.
બીજી તરફ દેશભરમાં કેટલાય સ્થળે શારીરિક, મૌખિક અને રેસીસ્ટ હુમલાઓ થતાં જોવા મળ્યા હતા. કેટલેક સ્થળે ઇટાલિયન ચહકો પર વંશીય હુમલો કરાયાના અને ઇંગ્લીશ ચાહકોએ ઇટાલીના રાષ્ટ્રધ્વજને રગદોળી તેનું અપમાન કરતા જોવા મળ્યા હતા.
વડા પ્રધાન બોરિસ જૉન્સને ચાહકોની નિંદા કરવાનો ઇનકાર કર્યા બાદ ટીકાઓનો ભોગ બનતા ટ્વીટર પર વંશીય દુર્વ્યવહારને નિંદા કરતા લખ્યું હતું કે “આ દુ:ખદાયક દુર્વ્યવહાર માટે જવાબદાર લોકોના શરમ આવવી જોઈએ”.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ખેલાડીઓ સામેના દુર્વ્યવહારની કડક શબ્દોમાં નિંદા કરી જણાવ્યું હતું કે ‘’હું સોશ્યલ મીડિયા પર કરાયેલા અધમ જાતિવાદી દુર્વ્યવહારથી નારાજ છું. આપણા દેશમાં તેની કોઈ જગ્યા નથી અને જવાબદારો સામે પગલા લેવા પોલીસને હું સમર્થન આપું છું”.
લંડનના મેયર સાદિક ખાને ઇંગ્લેન્ડની ફુટબૉલ ટીમના અશ્વેત સભ્યો પર સોશ્યલ મીડિયા પર કરાયેલા હુમલાઓ બદલ ટ્વીટર પર ઝાટકણી કાઢી હતી.
ઇંગ્લેન્ડની ટીમના મેનેજર ગેરેથ સાઉથગેટે જણાવ્યું હતું કે ‘’ઑનલાઇન હુમલાઓ માફીને લાયક નથી. જેમાંના કેટલાક વિદેશથી કરાયા છે, પણ અમને કહેવામાં આવ્યું છે કે તેમાંથી કેટલાક આપણા દેશના પણ છે. અમે લોકોને એકસાથે લાવવા માટે મશાલ બન્યા છીએ અને રાષ્ટ્રીય ટીમ આપણા બધા માટે છે.”
ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પ્રિન્સ વિલિયમ, જેઓ પત્ની કેટ અને પુત્ર જ્યોર્જ સાથે ફાઇનલ મેચ જોવા આવ્યા હતા તેમણે કહ્યું હતું કે ‘’આ દુર્વ્યવહારથી તેઓ નારાજ થયા હતા.’’
UEFAએ કહ્યું હતું કે “અમે આ ઘૃણાસ્પદ જાતિવાદી દુર્વ્યવહારની નિંદા કરીએ છીએ અને અમે ખેલાડીઓની સાથે ઉભા છીએ. આવા લોકોને ઇંગ્લિશ એફએ દ્વારા સખત સજા માટે આહ્વાન કરવામાં આવે છે.”
તમામ પ્રકારના ભેદભાવ અને જાતિવાદની સખત નિંદા કરી ફૂટબૉલ એસોસિએશને ટ્વિટર પર જવાબદારોને સૌથી સખત સજાની માંગ કરી હતી. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ મેચ પહેલા ઘૂંટણીયે પડી ટૂર્નામેન્ટમાં જાતિવાદ સામે મજબૂત વલણ અપનાવ્યું છે.
ઇંગ્લેન્ડના અશ્વેત ખેલાડીઓ પર કરાયેલા વંશીય દુર્વ્યવહારના પૂરને ખાળવામાં અને ઝડપી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ, ટ્વીટર અને ફેસબુકની પણ ટીકા થઈ રહી છે.
ફેસબુકે કહ્યું હતું કે તેણે ફૂટબોલરો પર ટિપ્પણી અને રેસીસ્ટ કોમેન્ટ્સ અને તેમ કરનાર લોકોને દૂર કર્યા છે. કોઈ પણ બાબત આ પડકારને રાતોરાત ઠીક કરી શકે નહિં. પરંતુ અમે અમારા સમુદાયને દુરૂપયોગથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.”
મેટ પોલીસે જણાવ્યું હતું કે ‘’અમે ઘણી બધી અપમાનજનક અને જાતિવાદી સોશિયલ મીડિયા ટિપ્પણીઓથી વાકેફ છીએ. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે અંગે અમે તપાસનું વચન આપીએ છીએ.’’
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે ‘’શહેરમાં રેશફોર્ડના મ્યુરલ પર કરાયેલ બદનામીને જાતિવાદી ઘટના તરીકે ગણાવી રહ્યા છીએ.’’ તે આર્ટવર્ક ઉપર અશ્લીલતા કરવા સાથે સાકાના નામની રજૂઆત કરાઇ હતી.
ઇંગ્લેન્ડના ડિફેન્ડર મિંગ્સે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ ઉપર પ્રહાર કર્યો છે. પટેલે અગાઉ ‘જેશ્ચર પોલિટીક્સ’ તરીકે ઘૂંટણીયે પડવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પણ ખેલાડીઓ માને છે કે જાતિવાદ સામે લડવાના તેમના નિર્ધારનો તે મહત્વનો સંકેત છે.
મિંગ્સે લખ્યું હતું કે “ટુર્નામેન્ટની શરૂઆતમાં તમે અમારા જાતિવાદ વિરોધી સંદેશાને ‘જેસ્ચર પોલિટિક્સ’ તરીકે લેબલ આપીને આગ લગાડશો નહીં. પાછલા મહિનાથી મારી લાગણીઓને વ્યક્ત કરવા માટેના શબ્દો શોધવા હું હજી પણ સંઘર્ષ કરી રહ્યો છું. લાખો લોકો માટે આ ટીમે લાવેલા આનંદ અને એકસાથે આપેલ ફાળા બદલ મને ખૂબ જ ગર્વ છે. અમે સાથે મળીને ઉજવણી કરી, હસ્યા, રડ્યાં અને ઉલ્લાસભર્યો આનંદ કર્યો અને તે માટે મને ખૂબ ગર્વ છે. પરંતુ આજે મારા ભાઈઓ સામે જાતિગત રીતે દુર્વ્યવહાર થતો જોયો તે જોઇને દુખ થયું, પરંતુ તે મને આશ્ચર્ય આપતું નથી.’’
ઇંગ્લીશ કેપ્ટન હેરી કેને ટ્વિટર પર કહ્યું હતું કે ‘’મેચ બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ સામે રેસીસ્ટ કોમેન્ટ કરનારા લોકો સાચા ચાહકો નથી અને અમને તેમનો ટેકો જોઇતો નથી. આખા સમર દરમિયાન ત્રણેય ખેલાડીઓનો શ્રેષ્ઠ હિસ્સો રહ્યો હતો. તેઓ અધમ જાતિવાદી રેસીઝમ માટે ટેકો અને સમર્થન આપવા લાયક છે.’’ ઇંગ્લેંડના અન્ય ખેલાડીઓએ પણ ટીકાઓની નિંદા કરી હતી.
વેમ્બલી સ્ટેડિયમની અંદર સર્જાયેલી અંધાધૂંધી દરમિયાન ઇંગ્લેન્ડના જ ફેન એવા એશિયન યુવાનને ઇંગ્લેન્ડના સાથી ચાહકોએ માથામાં લાતો મારતા રોષ ફેલાયો છે. થ્રી લાયન્સ ઇટાલી સામે મેદાનમાં ઉતર્યાની થોડી મિનિટો પહેલા જ થયેલ આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયો હતો.
વિડીયો ક્લિપ પરથી એવું લાગે છે કે આ હિંસક ઘટના વેમ્બલી સ્ટેડીયમના સ્ટેન્ડ્સના દરવાજા પાસે બની હતી. – જેમાં ડ્રિંક્સ ફેંકવામાં આવ્યું હતું અને કેટલાક ફેન ઘટના સ્થળેથી દોડી ગયા હતા. જે તકરાર મોટા પ્રવેશદ્વારના પોલ સુધી પહોંચી હતી. જ્યાં તે એશિયન યુવાન દોડી આવતા લોકોએ તેના પર હુમલો કરી માથામાં લાતો મારી હતી. ટૂંક સમયમાં જ તે એશિયન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો અને રેસીસ્ટ શ્વેત યુવાનોનું જૂથ તેના પર તૂટી પડ્યું હતું અને લોકોએ તેના પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો.
ઇટાલી સામેની ફાઇનલ પહેલા મોટી સંખ્યામાં એકઠા થયેલા ઇંગ્લેન્ડના ચાહકોએ લેસ્ટર સ્ક્વેરમાં પણ બેફામ વર્તન કરતા ઑનલાઇન વિડિઓઝમાં જોવા મળ્યા હતા. લોકોની ભીડે આસપાસ બોટલો ફેંકી હતી અને તે બિનસત્તાવાર ફેન ઝોન બની ગયો હતો. મેટ પોલીસે જણાવ્યું હતું કે પોલીસે અસ્થિર ભીડનો સામનો કર્યો હતો અને તોફાને ચઢેલા 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 19 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. હોમ સેક્રેટરી પ્રિતી પટેલે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ પર હુમલો કરનાર “હિંસક લઘુમતી”ના લોકો “સાચા ચાહકો” નહોતા.
લોકો મેચ જોવા માટે મોટી સંખ્યામાં લેસ્ટર સ્ક્વેર, ટ્રફાલ્ગર સ્ક્વેર અને પિકાડિલી સર્કસ સહિત સમગ્ર સેન્ટ્રલ લંડનમાં વિવિધ પબ અને રેસ્ટોરંટ્સ ખાતે ઉમટી પડ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે અથડામણો થઇ હતી.
ટિકિટ વગરના ચાહકોએ વેમ્બલી સ્ટેડીયમ ખાતે નશામાં ધૂત લોકોના ટોળાએ બેરિયર્સને તોડવાનો પ્રયાસ કર્યાના કલાકો પછી આ ઘટના બની. મેટ પોલીસે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોએ કિક-ઓફના થોડા સમય પહેલા ટિકિટ વિના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ફેન ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ફૂટેજમાં લોકો દિવાલો ઉપર કૂદકો લગાવતા અને પ્રવેશ મેળવવા સ્ટેડિયમ તરફ દોડી આવતા દેખાયા હતા. પોલીસ આ લોકોને શોધી રહી છે.
ફૂટબૉલ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક બલિંગહામે અસર પામેલા ટિકીટ ધરાવતા ચાહકોની માફી માંગતા કહ્યું હતું કે ‘’સુરક્ષા ટીમે આના જેવું કશું ક્યારેય જોયું નથી”.