યુરો કપ દરમિયાન પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેના માઈકની આગળ રહેલા બે કોકાકોલાની બોટલ હટાવી દીધી હતી. આ ઘટનાની ગંભીર નોંધ લઇને યુરો કપનુ સંચાલન કરતી સંસ્થા યુઈએફએ ખેલાડીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોની જેમ સ્પોન્સર્સના ઉત્પાદનોને હટાવશે તો પેનલ્ટી ફટકારવામાં આવી શકે છે.
UEFAના યુરો 2020 ટુર્નામેન્ટ ડિરેક્ટર માર્ટિન કેલેને જણાવ્યું હતું કે UEFA સીધી રીતે ખેલાડીઓને પેનલ્ટી કરતું નથી, અમે ટુર્નામેન્ટમાં ભાગ લેતા નેશનલ એસોસિયેશન મારફત હંમેશા કાર્યવાહી કરીએ છીએ. જો આવી વધુ ઘટના થશે તો કાર્યવાહીનો તેમણે ઇનકાર કર્યો ન હતો. સોમવારે પોર્ટુગલના સુકાની રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકાકોલાની બે બોટલો ટેબલ પરથી હટાવી દીધી હતી. આ પછી મુસ્લિમ ધર્મ પાળતા ફ્રાન્સના ફૂટબોલર પોલ પોગ્બાએ રોનાલ્ડોની જેમ પ્રેસ કોન્ફરન્સમાં બીયરની બોટલ ટેબલ પરથી હટાવી દીધી હતી.
યુઈએફએ જણાવ્યું હતું કે UEFA ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોને યાદ અપાવે છે કે સ્પોન્સર્સની ભાગીદારી ટુર્નામેન્ટનો અભિન્ન ભાગ છે. યુરો-2020 ટુર્નામેન્ટના ડાયરેક્ટર મર્ટિન કાલેને કહ્યું હતું કે, ખેલાડીઓ તેમના ફેડરેશન સાથે ટુર્નામેન્ટના નિયમો પાળવા માટે બંધાયેલા છે.