પ્રીતિ પટેલ દ્વારા કાયમી ધોરણે દેશમાં રહેવા માટે ફરીથી અરજી કરવી પડશે તેવા નિર્ણય પછી 20 લાખથી વધુ EU નાગરિકોને બ્રિટનમાં રહેવા અને કામ કરવા માટે નવી અડચણોનો સામનો કરવો પડે છે – અને તેઓને દેશનિકાલનો પણ સામનો કરવો પડી શકે છે.
બ્રેક્ઝિટ વિથડ્રોઅલ એગ્રીમેન્ટ હેઠળ, જો તેઓ સાબિત ન કરી શકે કે તેઓ સતત પાંચ વર્ષથી બ્રિટનમાં રહે છે, તો તેવા બ્રિટનમાં રહેતા તમામ EU નાગરિકોને “સેટલ્ડ સ્ટેટસ” અથવા “પ્રિ-સેટલ્ડ સ્ટેટસ” આપીને રહેવા દેવા માટે બ્રિટન સરકાર સંમત થઈ છે. જો કે, હવે, હોમ ઑફિસે ચુકાદો આપ્યો છે કે 2.3 મિલિયન લોકો કે જેઓ હાલમાં પ્રિ-સેટલ્ડ સ્ટેટસ ધરાવે છે તેમણે પાંચ વર્ષના સમયગાળાના અંતે સેટલ્ડ સ્ટેટસ માટે ફરીથી અરજી કરવાની જરૂર પડશે જેના માટે તેમને રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કોઈ સમયસર અરજી કરવામાં નિષ્ફળ જશે તો તે વ્યક્તિ કામ, આવાસ અને લાભો મેળવવાના અધિકારો ગુમાવશે અને તેમને દેશમાંથી બહાર કાઢી શકાશે.
આ નિર્ણયને પગલે યુકેમાં EU નાગરિકોના અધિકારોના રક્ષણ માટે બ્રેક્ઝીટ કરાર હેઠળ સ્થાપિત કરવામાં આવેલી ઇન્ડિપેન્ડન્ટ મોનિટરિંગ ઓથોરિટી હોમ ઑફિસને કોર્ટમાં લઈ ગઇ છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆતમાં IMAએ ચેતવણી આપી હતી કે પટેલનું પગલું ગેરકાનૂની હતું અને EU સાથેના કરારનું ઉલ્લંઘન છે. આ પગલું બ્રેક્ઝિટ ડીલના સૌથી સંવેદનશીલ ક્ષેત્રોમાંના એક પર EU દેશો સાથે તણાવને વેગ આપે તેવી શક્યતા છે.
IMA એ કહ્યું કે ‘’અમે હોમ ઑફિસ સમક્ષ ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી હતી કે તે તેની જવાબદારીનું ઉલ્લંઘન કરી રહી છે પરંતુ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’અત્યાર સુધીમાં 247,010 લોકો પ્રી-સેટલ્ડમાંથી સેટલ સ્ટેટસમાં ગયા છે. સમયમર્યાદા ચૂકી જવાના વાજબી કારણો હોય તેમના માટે મોડેથી અરજી કરવા માટે “સ્કોપ” બાકી રહેશે. વિથડ્રોઅલ એગ્રીમેન્ટ હેઠળ અમે સંમત થયેલી વ્યવસ્થાઓને સદ્ભાવનાથી અમલમાં મૂકી છે.”