સ્થાનિક વિસ્તારોને આકરા ટિયર 3 પ્રતિબંધોથી બહાર જવા માટે સરકારની યોજનાના ભાગ રૂપે, ઝડપી કોરોનાવાયરસ ટેસ્ટીંગ માટે એથનિક જૂથોને પ્રાથમિકતા આપી શકાશે.
બુધવારે લોકડાઉન સમાપ્ત થયા પછી અમલમાં આવનાર નવી કોમ્યુનિટી ટેસ્ટીંગ યોજના હેઠળ, સ્થાનિક અધિકારીઓ એસિમ્પ્ટોમેટિક ફેલાવાને રોકવા માટે એથનિક જૂથો, ક્ષેત્રો અથવા કેટલાક કર્મચારીને અલગ કરવા માટે હક્કદાર રહેશે. ટેસ્ટીંગને પ્રોત્સાહિત કરવા માટે જે લોકો ટેસ્ટીંગમાં તંદુરસ્ત લાગશે તેમને સ્થાનિક દુકાન અને બિઝનેસીસમાં ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
નવા નિયમો હેઠળ ફ્રીડમ પાસની જોગવાઈ કરાઇ છે જેમાં બે નેગેટીવ ટેસ્ટ ધરાવનારને પબ, રેસ્ટૉરન્ટ્સમાં તથા રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પછી ભલેને તેમનો વિસ્તાર ટિયર 3માં આવતો હોય.
ડાઉનિંગ સ્ટ્રીટમાં નવા નિયમોની ઘોષણા કરતા, નવા પ્રોગ્રામના વડા જનરલ સર ગોર્ડન મેસેંજરે કહ્યું હતું કે આ વ્યૂહરચના હવે સામૂહિક ટેસ્ટીંગ વિશે નથી. આ સમુદાય પરીક્ષણ વિશે છે. તે સ્થાનિક વિસ્તારની જરૂરિયાતોને અનુરૂપ છે અને તે ભૌગોલિક રૂપે વિશિષ્ટ હોઈ શકે છે અથવા તે વંશીય સમુદાય વિશેષ હોઈ શકે છે.”
આ નવા ટેસ્ટ એક કલાકની અંદર જ પરિણામ આપે છે, તે ઉચ્ચ પ્રસાર સાથેના વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રો, તેમજ ઉદ્યોગોના પ્રકારો પર સઘન ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. દરમિયાન, સરકારે ઘોષણા કરી છે કે માન્ચેસ્ટર અને સેલ્ફોર્ડમાં 20 મિનિટના ઝડપી કોરોનાવાયરસ ટેસ્ટ કરાતા તે સકારાત્મક કેસો ઓળખવા અને ટ્રાન્સમિશનની સાંકળો તોડવામાં અસરકારક છે. આ ટેસ્ટમાં 79 ટકાની સંવેદનશીલતા અને 100 ટકાની વિશિષ્ટતા હોવાનું જણાયું હતું, એટલે કે તે એવા કિસ્સાઓને ઓળખવામાં અસરકારક છે કે જેઓ ચેપી છે અને આ રોગનું સંક્રમણ મોટા ભાગે કરે છે. લેસ્ટરમાં અમુક પ્રકારના કામના સ્થળે ટ્રાન્સમિશન જોવા મળ્યું હતું.
તેમ છતાં, ટિયર 3 ક્ષેત્ર લોકડાઉનના અંત પછી કોમ્યુનિટી ટેસ્ટીંગના સમર્થન માટે અરજી કરવાને હક્કદાર રહેશે. સર ગોર્ડને કહ્યું કે મર્યાદિત માનવ શક્તિ અને સંસાધનોને જોતા ઘણાને જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. કોને પ્રથમ ટેકો મળશે તે નિર્ણય ચેપના દર, જે તે વિસ્તારે ટિયર 3માં કેટલો સમય વિતાવ્યો અને કોમ્યુનિટી ટેસ્ટીંગની જમાવટ કરવાની સ્થાનિક યોજનાઓની ગુણવત્તા પર આધારિત રહેશે.
હેલ્થ સેક્રેટરી, મેટ હેનકોકે જણાવ્યું હતું કે “લોકોને કોઈ લક્ષણો ન હોવા છતાં તેમનો સમાવેશ કરવા માટે અમારા ટેસ્ટીંગમાં વિસ્તરણ કરીને, અમે વધુ સકારાત્મક કેસ વધુ ઝડપથી શોધી રહ્યા છીએ અને ટ્રાન્સમિશનની સાંકળો તોડી રહ્યા છીએ. એક તૃતીયાંશ લોકોમાં લક્ષણો વિના કોરોનાવાયરસ હોય છે, તેથી જે લોકો અજાણતાં અન્યને ચેપ લગાવી શકે છે તેમનુ પરીક્ષણ કરવું જરૂરી છે. જ્યારે વધુ લોકો નિયમિત કોમ્યુનીટી ટેસ્ટીંગ માટે આગળ આવે છે, ત્યારે આપણી પાસે વાયરસનો વ્યાપ ઓછો થાય છે અને તે જીવન બચાવે છે.”