અમેરિકાએ અઢી વર્ષ લાંબા સમયગાળા પછી ભારતમાં તેના રાજદૂતની નિયુક્તિ કરી છે. નવી દિલ્હીમાં વોશિંગ્ટનનના પ્રતિનિધિ તરીકે એરિક ગાર્સેટીના નામને સેનેટે બહાલી આપી છે. લોસ એન્જેસના ભૂતપૂર્વ મેયર અને પ્રેસિડન્ટ બાઇડનના વિશ્વાસ ગાર્સેટી કેન જસ્ટરનું સ્થાન લેશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યાએ જો બાઇડન પ્રેસિડન્ટ બન્યા પછી કેન જસ્ટરે જાન્યુઆરી 2021માં રાજીનામું આપ્યું હતું.
સેનેટે બુધવારે 52 વિરુદ્ધ 42 મતથી ગાર્સેટીની નિમણૂકને બહાલી આપી હતી. આ દરખાસ્ત જુલાઈ 2021થી અમેરિકાની સંસદમાં પેન્ડિંગ હતી.
સેનેટે નિમણૂકને બહાલી આપ્યા પછી 52-વર્ષીય ગાર્સેટીએ જણાવ્યું હતું કે ભારતમાં અમેરિકાના નિર્ણાયક હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે હું તૈયાર અને આતુર છું. હું આજના પરિણામથી ઉત્સાહિત છું. હવે સખત મહેનત શરૂ થાય છે. હું આ પ્રક્રિયા દરમિયાન વિશ્વાસ અને સમર્થન માટે પ્રેસિડન્ટ બાઇડન અને વ્હાઇટ હાઉસનો અને તમામ સેનેટરોનો આભારી છું
બાઇડનના પ્રેસિડન્ટ તરીકે બે વર્ષના કાર્યકાળમાં ભારતના નવા રાજદૂત તરીકે ગાર્સેટીના નામને સેનેટની મંજૂરી મળી શકી ન હતી, કારણ કે કેટલાંક સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે મેયર તરીકે ગાર્સેટીએ એક સિનિયર એડવાઇઝર સામેના જાતિય હુમલાના આક્ષેપોની અવગણના કરી હતી.
ગાર્સેટીની નિમણૂક અંગે ઇન્ડિયન અમેરિકનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. કેલિફોર્નિયાના ઉદ્યોગસાહસિક યોગી ચુગે જણાવ્યું હતું કે યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપવા માટે એરિક ગાર્સેટી એક ઉત્તમ પસંદગી છે… વૈશ્વિક અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં ભારતનું મહત્વ આગામી વર્ષોમાં વધતું રહેશે. ભારત સાથેના આપણા સંબંધોને માર્ગદર્શન આપવા માટે મજબૂત વ્યક્તિ મહત્વપૂર્ણ છે.
એરિક ગાર્સેટીનો જન્મ 4 ફેબ્રુઆરી, 1971ના રોજ લોસ એન્જલસમાં થયો હતો. એરિક એક ઉત્સુક ફોટોગ્રાફર, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર છે. તેઓ યુએસ નેવીના રિઝર્વ ઇન્ફોર્મેશન ડોમિનેન્સ કોર્પ્સમાં લેફ્ટનન્ટ રહી ચૂક્યા છે. 2013માં પ્રથમ વખત, તેમણે લોસ એન્જલસની મેયરની ચૂંટણી લડી અને જીતી હતી. 2017માં ફરી મેયર બન્યા. આ પહેલા 2006 થી 2012 સુધી તેઓ લોસ એન્જલસ સિટી કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ મેયર તરીકે ચૂંટાયા તે પહેલા તેઓ અને તેમનો પરિવાર ઇકો પાર્કમાં રહેતા હતા. એરિક બાઈડનની નજીક માનવામાં આવે છે.