- લૌરેન કૉડલિંગ દ્વારા
કોરોનાવાયરસની વંશીય લઘુમતી સમુદાયોના સ્વાસ્થ્ય પર પડેલા પ્રભાવની તપાસ માટે ગત મે મહિનામાં સ્થપાયેલી સ્વતંત્ર સંસ્થા એનએચએસ રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર ડૉ. હબીબ નકવીએ તેમની સંસ્થાને “પરિવર્તન માટે ઉત્પ્રેરક” તરીકે વર્ણવી છે. સંસ્થાના બોર્ડના સભ્યો ગયા અઠવાડિયે પહેલી વાર વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા અને હવે તેઓ દર ત્રણ મહિને બેઠક કરશે.
એનએચએસ કન્ફેડરેશન દ્વારા સંચાલિત આ ઓબ્ઝર્વેટરી દર્દીઓ, સમુદાયો અને એનએચએસ વર્કફોર્સની આરોગ્યસંભાળમાં વંશીય અને વંશીય અસમાનતાઓને દૂર કરવા માટે કામ કરશે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની, ભારતીય અને મિશ્ર વંશીય લોકોને શ્વેત વંશીય લોકોની તુલનામાં કોવિડ-19ના કારણે આંકડાકીય રીતે નોંધપાત્ર મૃત્યુનું જોખમ હતું. બાંગ્લાદેશી અને પાકિસ્તાની વંશીય જૂથના પુરૂષોને શ્વેત સમકક્ષ કરતાં કોવિડ-19 સંબંધિત મૃત્યુની સંભાવના 1.8 ગણી વધારે છે.
ગરવી ગુજરાત સાથે તા. 22ના રોજ એક મુલાકાતમાં ઓબ્ઝર્વેટરી ડિરેક્ટર ડૉ. હબીબ નકવીએ આ જૂથને “સક્રિય સંદેશો આપતા સક્રિય નિવેદક તરીકે વર્ણવ્યું હતું કે જે નીતિ નિર્માણની માહિતી આપે છે અને જમીન પર પરિવર્તન લાવે છે. આ જૂથનો હેતુ હેલ્થ કેર ક્ષેત્રે આરોગ્યની અસમાનતાઓને ઘટાડવાનો છે. ડિરેક્ટર તરીકે, હું એકદમ આશાવાદી છું.”
ડો. નકવીએ પુષ્ટિ આપી હતી કે પ્રસૂતા અને નવજાત બાળકો માટે, માનસિક સ્વાસ્થ્ય, ડેટા અને હેલ્થ કેરમાં ડિજિટલ એક્સેસ સહિત વંશીય લઘુમતી દર્દીઓ પર અસર કરતી લાંબા સમયની આરોગ્ય અસમાનતાઓની પણ બોર્ડ તપાસ કરશે.
તેમણે જણાવ્યું હતું કે “આપણે હવે દાયકાઓથી વંશીય સ્વાસ્થ્યની અસમાનતાઓ વિશે જાણીએ છીએ. જ્યારે અન્ય થિંક ટેન્કો, શૈક્ષણિક સંસ્થાઓ અને કમિશન આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યા છે, ત્યારે તેઓએ મોટા ભાગે ડેટા સંગ્રહ અને સૈદ્ધાંતિક ભલામણો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં વાસ્તવિક અમલ અને પરિવર્તન પર થોડુંક જ ધ્યાન આપવામાં આવ્યું છે. રેસ અને હેલ્થ ઓબ્ઝર્વેટરી ફક્ત ભલામણો જ નહીં કરે પરંતુ તેને જમીન પર લાગુ કરવામાં સિસ્ટમને ટેકો આપશે.”
ડૉ. નકવીએ જણાવ્યું હતું કે ‘’ગત માર્ચમાં રોગચાળાના પ્રથમ મોજામાંથી પાઠ શીખવા જરૂરી છે. વંશીય સમુદાયોને વાયરસની અપ્રમાણસર રીતે અસર કરતા નિષ્ણાતોએ આપેલા પુરાવાઓ પરથી સમજ લેવી જોઈએ. અમને જેની જરૂરિયાત છે તે વાસ્તવિક ભલામણો છે અને તે સમુદાયોના રક્ષણ અને પ્રાધાન્યતાની યોજના છે જેમને આ રોગથી સૌથી વધુ જોખમ છે.”
ઓબ્ઝર્વેટરીએ ગયા મહિને તેના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સના સંપૂર્ણ બોર્ડની ઘોષણા કરી હતી. જેમાં બ્રિટીશ મેડિકલ એસોસિએશનની કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલ, નવા પુષ્ટિ પામેલા બોર્ડ સભ્યોમાં; રોયલ કોલેજ ઑફ નર્સિંગના ચીફ એક્ઝિક્યુટિવ અને જનરલ સેક્રેટરી ડેમ ડોના કિન્નર અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)ના લંડનના પ્રાદેશિક નિયામક પ્રોફેસર કેવિન ફેન્ટનનો સમાવેશ થાય છે. બોર્ડના વધારાના સભ્યોમાં એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ વિક્ટર એડોબોવ્લે, ઇક્વાલીટી થિંક-ટેન્ક ધ રનીમીડ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. હલીમા બેગમ અને લોર્ડ યુનિવર્સિટી કોલેજ લંડનના સર્જરીના પ્રોફેસર અજય કક્કરનો સમાવેશ થાય છે.
ડૉ. નકવીએ જણાવ્યું હતું કે “નવનિયુક્ત બોર્ડ સભ્યો જ્ઞાન અને નિષ્ણાત અનુભવ ધરાવે છે. હું આ ક્ષેત્રમાં નવીનતા અને પરિવર્તન માટે શ્યામ અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના અમારા દર્દીઓ, સમુદાયો અને કર્મચારીઓના સ્વાસ્થ્યમાં સુધારણા કરવા બોર્ડ સાથે નિકટતાથી કામ કરવાની રાહ જોઉં છું.”
વંશીય લઘુમતીઓમાં કોરોનાવાયરસના પ્રભાવ પર અવાજ ઉઠાવનાર ડો.નાગપૌલે જણાવ્યું હતું કે હેલ્થ કેરમાં જાતિની અસમાનતાઓને દૂર કરવાના પ્રયત્નોમાં ઓબ્ઝર્વેટરીની રચના એક “મહત્વની ક્ષણ” હતી. ડેટા, પુરાવા અને નિષ્ણાત વિશ્લેષણના ઉપયોગ દ્વારા, પરિણામોને સુધારવા માટે, BAME સમુદાયો અને NHS સ્ટાફ સામેની અસમાનતાઓને દૂર કરવા કાર્યવાહીની ભલામણ કરવામાં ઓબ્ઝર્વેટરીની મુખ્ય ભૂમિકા મહત્વની રહેશે.”