ભવિષ્યનિધી સંગઠન ઇપીએફઓએ પેન્શનરો માટે કોઇપણ જગ્યાથી ફેસ ઓથોન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી હયાતીનું ડિજિટલ પ્રમાણપત્ર રજૂ કરવાની સુવિધા શરૂ કરી છે. આ નવી સુવિધાથી આશરે 73 લાખ પેન્શનરોને લાભ થશે.
આ ફેસ રેકગ્નિશન ઓથોન્ટિફિકેશનથી હયાતીનું પ્રમાણપત્ર આપવા માટે મોટી ઉંમરને કારણે બાયો-મેટ્રિક્સ (આંગળી અને આંખની કીકી)માં ઓળખ આપવામાં મુશ્કેલી પડતી હોય તેવા ઉંમરલાયક પેન્શરોને મદદ મળશે. આમ ઉંમરને કારણે આંગળી કે આંખની કીકીના નિશાનની ઓળખ ન થઈ શકતી હોય તેવા વૃદ્ધો હવે ચહેરાની મદદથી હયાતીનું પ્રમાણપત્ર આપી શકશે.
શ્રમ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવે પેન્શનરો માટે ફેસ ઓથોન્ટિફિકેશન ટેકનોલોજી લોન્ચ કરી છે. ભૂપેન્દ્ર યાદવ ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય કરતાં સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ (CBT) ના ચેરમેન પણ છે.
અગાઉ સીબીટીએ તેની 231મી બેઠકમાં પેન્શનના કેન્દ્રીય વિતરણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેનાથી પેન્શરો માટે ઇપીએફઓની સેવામાં વધુ સુધારો થશે. આ વ્યવસ્થાને તબક્કાવાર ધોરણે અમલી કરાશે અને તેની રૂપરેખામાં સુધારો કરાશે.
યાદવે પેન્શન અને એમ્પ્લોઇ ડિપોઝિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ કેલ્ક્યુલેટર પણ શરૂઆત કરાવી હતી. આ એક ઓનલાઇન ફેસિલિટી છે, જેની પેન્શનર અને પરિવારના સભ્યો પેન્શનના લાભ અને ડેથ લિન્ક્ડ ઇન્શ્યોરન્સના લાભની ગણતરી કરી શકશે.
પ્રધાને ઇપીએફઓ માટે તાલિમ પોલિસી પણ જારી કરી હતી. આ નીતિનો હેતુ ઇપીએફઓના ઓફિસરો અને કર્મચારીઓને સક્ષમ, પ્રતિભાવશીલ અને ભવિષ્ય માટે સજ્જ બનાવવાનો છે. તેનાથી ઇપીએફઓને એક વર્લ્ડ ક્લાસ સામાજિક સુરક્ષાના લાભ આપતી સંસ્થા તરીકે તેના વિઝન અને મિશનને હાંસલ કરવામાં મદદ મળશે. આ તાલિમ પોલિસી હેઠળ દર વર્ષે 14,000 કર્મચારીઓને આઠ દિવસની તાલીમ આપવામાં આવશે. તેનો કુલ બજેટ વેતનના કુલ બજેટના ત્રણ ટકા રહેશે.
ભૂપેન્દ્ર યાદવે ઇપીએફઓને કાર્યક્ષમ અને પ્રતિભાવશીલ બનાવવા માટે એક લિગત ફ્રેમવર્ક ડોક્યુમેન્ટ પણ જારી કર્યું હતું. તેનાથી સંકલિત અને સમયબદ્ધ રીતે અરજીઓનો ઉકેલ લાવી શકાશે.