ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) એ જોશીમઠના સેટેલાઈટ ફોટોગ્રાફ્સ તેમજ જમીન ધસી પડવાની પ્રાથમિક આકારણી પ્રકાશિત કરી છે, જે દર્શાવે છે કે આખું નગર પતનના આરે છે.
સેટેલાઈટે ઇમેજ મુજબ, સમગ્ર જોશીમઠ શહેર ધસી પડશે. તસવીરોમાં ફોટો જોઈ શકાય છે કે પીળા વર્તુળમાં જોશીમઠનું સમગ્ર શહેર છે. તેમાં આર્મીનું હેલીપેડ અને નરસિંહ મંદિરને માર્ક કરવામાં આવ્યું છે. ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ આ રિપોર્ટ જારી કર્યો છે, કદાચ આના જ આધારે રાજ્ય સરકાર લોકોને ડેન્જર ઝોનની બહાર કાઢી રહી છે
આ પૌરાણિક શહેરના 700થી વધુ મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને લોકોનું સ્થળાંતર ચાલુ છે. જોશીમઠમાં બે જોખમી હોટેલોને તોડી પાડવાની પ્રક્રિયા ગુરુવારે સાંજે હાથ ધરાઈ હતી. હોટેલ માલિકોએ વળતરની માગણી કરી હોવાથી છેલ્લાં બે દિવસથી આ કવાયત અટકી ગઈ હતી, પરંતુ આખરે હોટેલ્સ માલિકો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી. હોટેલ્સ મલારી ઇન અને માઉન્ટ વ્યૂમાં તિરાડો પડી ગઈ હતી અને એકબીજા તરફ ઝુકી ગઈ હતી. તેનાથી આસપાસની વસાહતો માટે જોખમ ઊભું થયું હતું. આ કવાયતમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ, હોટેલની છત પરના લોખંડના શેડને તોડી પડાશે. જરૂર પડશે ત્યાં JCB નો પણ ઉપયોગ કરાશે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જોશીમઠની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. આ પૌરાણિક શહેરમાં ધરતી ધસી રહી હોવાથી અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
ટોચના અધિકારીઓ સાથેની આ બેઠકમાં નીતિન ગડકરી (માર્ગ પરિવહન), આર કે સિંહ (પાવર), ભૂપેન્દ્ર યાદવ (પર્યાવરણ અને વન) અને ગજેન્દ્ર સિંહ શેખાવત (જલ શક્તિ) સહિતના ચાર અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહ્યાં હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમિત શાહે જોશીમઠમાં ઉભી થયેલી પરિસ્થિતિ તથા લોકોની હાડમારી દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.
નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી (NCMC)એ મંગળવારે જોશીમઠની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું કે અસરગ્રસ્ત ઝોનના તમામ રહેવાસીઓના સુરક્ષિત સ્થળાંતર તાકીદની પ્રાથમિકતા હોવી જોઇએ. એનસીએમસીની બેઠકમાં, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સલામત રીતે સંવેદનશીલ બાંધકામોને તોડી પાડવાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
NCMCની બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સલામત રીતે જોખમી બાંધકામોને તોડી પાડવાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.