ગુજરાતના શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું યોજના બનાવી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો ખોલવાની સંખ્યાબંધ અરજીઓને કારણે સરકાર આ વિચારણા કરી રહી છે. સરકાર સંચાલિત સ્કૂલો અંગેની જનતામાં પ્રવર્તી રહેલી છાપને બદલવા માટે સરકારે કદાચ પ્રથમ વખત આવી મોટી કવાયત હાથ ધરી છે.
રાજ્યમાં 33,000 સ્કૂલો સરકાર સંચાલિત છે અને તેમાંથી 98 ટકા શાળાઓ ગુજરાતી મીડિયમની છે. શહેરોમાં ઘણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો કોર્પોરેશન સંચાલિત છે. રાજ્યની 106 સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાઓ 56 સ્કૂલો ચલાવે છે.
અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવાની સૌથી વધુ માગ અરવલ્લી જિલ્લામાંથી થઈ છે. અહીં 12 સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. ત્યારબાદ મહેસાણામાં સાત સ્કૂલોનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજી માધ્યમની 6 સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ અને સુરતમાંથી ત્રણ-ત્રણ સ્કૂલોનો પ્રસ્તાવ આવ્યો છે.અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો પૈકીનું એક છે કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે તેવા સંજોગોમાં સરકારની આ હિલચાલ પોઝિટિવ છે.