(ANI Photo)

વર્લ્ડ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ગયા સપ્તાહે ગુરૂવારે 9 વિકેટે હારી ગયા પછી ઈંગ્લેન્ડે મંગળવારે (10 ઓક્ટોબર) બીજી મેચમાં બાંગ્લાદેશને 137 રનના જંગી માર્જીનથી હરાવ્યું હતું. 

ધરમસાલામાં બાંગ્લાદેશ સામે પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે 9 વિકેટે 364 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો અને પછી હરીફ ટીમને 48.2 ઓવરમાં 227 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ડેવિડ મલાને 140, બેરસ્ટોએ 52 તથા જો રૂટે 82 રન કર્યા હતા. એ પછી રીસ ટોપ્લીએ 4 અને ક્રિસ વોક્સે 2 તથા બીજા તમામ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી. 

અમદાવાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટે કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 282 રન કર્યા હતા, જે ખાસ પડકારજનક સ્કોર ગણાય તેમ નહોતો. પણ ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને ઈન્ડિયન ન્યૂઝીલેન્ડર રચિન રવિન્દ્રે અણનમ સદીઓ સાથે આ ટાર્ગેટ સાવ મામૂલી બનાવી દઈ 13.4 ઓવર્સ બાકી હતી ત્યારે જ ટીમનો વિજય ધ્વજ લહેરાવી દીધો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી એકપણ બેટર અડધી સદી કરી શક્યો નહોતો, તો ન્યૂઝીલેન્ડના મેટ હેનરી, મિચેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે અનુક્રમે 3 અને 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં કોનવેએ 121 બોલમાં 3 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે અણનમ 152 તથા રચિન રવિન્દ્રે 96 બોલમાં 5 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ 123 રન કર્યા હતા. રચિનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  

LEAVE A REPLY