ભારત સાથે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રવિવારે (21 જાન્યુઆરી) રાત્રે ભારતમાં હૈદરાબાદ પહોંચી ગઈ હતી. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ ગુરૂવાર (25 જાન્યુઆરી) થી રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચથી હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે રમાશે.
ભારતીય ટીમ પણ હૈદરાબાદમાં જ છે. ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓનું હૈદરાબાદ એરપોર્ટ ખાતે પુષ્પહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે યુએઈના અબુધાબીમાં ભારત જેવી પીચો પર પ્રેક્ટિસ કરી હતી. ભારત ઈંગ્લેન્ડ વચ્ચે આ અગાઉની પાંચ ટેસ્ટ સીરીઝમાંથી બન્ને ટીમ બે-બે સીરીઝમાં વિજેતા રહી હતી, જ્યારે એક સીરીઝ ડ્રો રહી હતી.
આ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના એક ભાગરૂપ હોવાના પગલે ખૂબજ મહત્ત્વની છે. ભારતીય ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને, તો ઈંગ્લેન્ડની ટીમ સાતમા સ્થાને છે.