ઇંગ્લેન્ડે તેના ભારત પ્રવાસ માટેની પ્રથમ બે ટેસ્ટ મેચની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. આ ટીમમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં જેમને આરામ અપાયો હતો તે જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો સમાવેશ કરાયો છે. વિકેટકીપર બેટ્સમેન જોની બેરેસ્ટો, સેમ કરન અને માર્ક વૂડને પ્રથમ બે ટેસ્ટમાં આરામ અપાયો છે. લાંબા પ્રવાસને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને ઇજા ટાળવા આ પગલું લેવાયું છે. પ્રથમ ટેસ્ટ પાંચમી ફેબ્રુઆરી અને બીજી ટેસ્ટ મેચ 13મી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં રમાશે.
આ સિવાય શ્રીલંકામાં ઇજાગ્રસ્ત થયા પછી સારવાર લઈ રહેલા ઓલી પોપનો પણ ભારત પ્રવાસમાં સમાવેશ કરાયો છે. પોપ સિવાય ટીમ ૧૬ ખેલાડીઓની રહેશે, તેમા છ રીઝર્વ્ઝ ખેલાડીઓનો પણ સમાવેશ કરાશે.
વિકેટકીપર તરીકેની પ્રથમ પસંદગી જોસ બટલર પ્રથમ ટેસ્ટ પછી ઇંગ્લેન્ડ પરત ફરશે. સીલેકટર એડ સ્મિથે જણાવ્યું હતું કે બેન ફોક્સને પ્રવાસમાં ગમે તે સમયે વિકેટકીપિંગની તક મળશે. શ્રીલંકામાં કોવિડના લીધે ટેસ્ટ ગુમાવ્યા પછી મોઇન અલી પણ પ્રથમ બે ટેસ્ટ માટે દાવેદાર હશે. સ્ટોક્સ મિડલ ઓર્ડર તો મોઇન લોઅર ઓર્ડરને મજબૂતી આપશે.
ટીમઃ જો રુટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમ સિબ્લી, જોફ્રા આર્ચર, જોસ બટલર, બેન સ્ટોક્સ, મોઇન અલી, ઝેક ક્રોલી, ઓલી સ્ટોન, જેમ્સ એન્ડરસન, બેન ફોક્સ, ક્રિસ વોક્સ, ડોમ બેસ, ડાન લોરેન્સ, સ્ટુઅર્ટ બ્રોડ તથા જેક લીચ.
રીઝર્વ્ઝઃ જેમ્સ બ્રેસી, મેસન ક્રેન, સાકીબ મહમૂદ, મેટ પાર્કિન્સન, ઓલિફ રોબિન્સન અને અમર વિરડી.