ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે ટેસ્ટ કારકિર્દીની ૨૬મી સદી સાથે અણનમ ૧૧૫ રન કરી ઈંગ્લેન્ડના ટેસ્ટ વિજય માટેનો નવ ટેસ્ટના ઈંતજારનો અંત લાવ્યો હતો અને ન્યુઝીલેન્ડ સામે ટીમનો પાંચ વિકેટે વિજય થયો હતો. રવિવારે પુરી થયેલી પ્રથમ ટેસ્ટમાં વિજય માટેનો ૨૭૭ રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. રૂટ અને ફોક્સ (૯૨ બોલમાં અણનમ ૩૨ રન) વચ્ચે ૧૨૦ રનની ભાગીદારી થઈ હતી.
વિજયી ચોગ્ગો ફટકારી રૂટે આ ઈનિંગ દરમિયાન ટેસ્ટમાં ૧૦,૦૦૦ રનનો માઈલસ્ટોન પણ પાર કર્યો હતો. તે ૧૦ હજાર રન પુરા કરનારો ઈંગ્લેન્ડનો, કૂક પછીનો બીજો બેટ્ટર બન્યો હતો. ઈંગ્લેન્ડ છેલ્લે ઓગસ્ટ, ૨૦૨૧માં ભારત સામેની લીડ્ઝ ટેસ્ટ જીત્યું હતુ. જોકે ત્યાર બાદ રમાયેલી નવ ટેસ્ટમાંથી છમાં ટીમ હારી હતી અને ત્રણ ડ્રો રહી હતી.
રૂટે આ સાથે ઘરઆંગણે સૌથી વધુ ૧૫ સદીનો રેકોર્ડ પણ કર્યો હતો. ૧૯૯૦ના દશકામાં જન્મેલો રૂટ એવો પહેલો બેટ્ટર બન્યો હતો કે, જેણે ૧૦,૦૦૦થી વધુ ટેસ્ટ રન કર્યા હતા. તેણે સૌથી વધુ સદીમાં પણ ઈંગ્લેન્ડના રેકોર્ડમાં બીજું સ્થાન મેળવ્યું હતુ.