ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટના સોમવારે પાંચમા દિવસે ભારતની ટીમે 157 રને ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. Action Images via Reuters/Andrew Couldridge

ગયા સપ્તાહે ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમી શકાય તેમ હોવા છતાં નહીં રમવાનો નિર્ણય કરતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સના દ્વાર ખખડાવ્યા છે. દેખિતી રીતે, મુદ્દો સીરીઝના પરિણામ કરતાં વધારે તો ટેસ્ટ મેચ રદ થયાના કારણે ઈસીબીને થનારા સંભવિત જંગી આર્થિક નુકશાન – 40 મિલિયન પાઉન્ડનો છે.

ક્રિકેટની દ્રષ્ટિએ પણ માન્ચેસ્ટર ટેસ્ટ નિર્ણાયક બની રહી હતી, ભારતીય ટીમે છેલ્લે ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી સીરીઝમાં 2-1ની અજેય સરસાઈ મેળવી હતી. આથી, માન્ચેસ્ટર ટેસ્ટ જીતી ઈંગ્લેન્ડ પાસે સીરીઝ સરભર કરવાની તક હતી. પણ ગયા સપ્તાહે શુક્રવારે મેચ શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું કે, કોરોનાના ભયે ખેલાડીઓ રમવા તૈયાર નહીં હોવાથી મેચ રદ કરવામાં આવે છે. મેચના સત્તાવાર સ્ટેટસ વિષે તો હજી પણ સ્થિતિ અસ્પષ્ટ અને ગૂંચવાડાભરી છે.

સત્તાવાર રીતે, આખરે ઈસીબીના પ્રવકત્તાએ કહ્યું હતું કે, પાંચમી ટેસ્ટની સ્થિતિ વિષે નિર્ણય લેવા અમે આઈસીસીને વિનંતી કરી છે. આઈસીસીની ડીઆરસી (ડિસ્પ્યુટ્સ રીઝોલ્યુશન કમિટી – વિવાદો ઉકેલતી સમિતિ) આ મામલે ચૂકાદો આપે તેવી ઈસીબીએ રજૂઆત કરી છે, કારણ કે સત્તાવાર રીતે, આ મેચ માટે કોરોના વિષયક વીમો ઈસીબીએ લીધો નહીં હોવાથી મેચ કોરોનાના કારણે પડતી મુકાઈ છે એવું ગણાય તો ઈસીબી વીમાનો દાવો કરી શકે નહીં. ઈસીબીની અપેક્ષા એવી છે કે, ભારતીય ખેલાડીઓના તમામના આરટી-પીસીઆર ટેસ્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા, તેમ છતાં ખેલાડીઓ રમવા તૈયાર નહોતા. આ સંજોગોમાં ભારતીય ટીમ રમવા ઉતરી નહોતી અને તેથી તેણે મેચ ફોરફીટ કરી છે એવો નિર્ણય આઈસીસી જાહેર કરે તો ઈસીબી રદ થયેલી મેચમાં નુકશાનનો દાવો કરી શકે અને તે ઉપરાંત સીરીઝ પણ 2-2થી બરાબરીમાં રહી હોવાનું કહી શકાય. બીજી તરફ, કોરોનાના રોગચાળાનો ડર નિયમોના પાલન કે બંધનમાં એક સ્વિકાર્ય કારણ છે અને તેના કારણે ભારતીય ટીમે કરારનો ભંગ કર્યો તે પણ દંડનિય ગણાય નહીં.
વ્યાપક સામાન્ય માન્યતા, ધારણા એવી રહી છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ તથા ખેલાડીઓને ટેસ્ટ મેચ કે સીરીઝ કરતાં પણ વધારે ચિંતા એકાદ સપ્તાહમાં જ ગલ્ફ દેશોમાં શરૂ થનારી આઈપીએલની હતી.

આઈપીએલમાં કરોડોનો રૂપિયાનો મામલો હોય છે – ખેલાડીઓ તેમજ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઈપીએલની ફ્રેન્ચાઈઝીસ વચ્ચે પણ. જો કે, ભારતીય તેમજ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, બન્નેએ એ વાત નકારી કાઢી હતી કે આઈપીએલની ચિંતા મેચ રદ કરવામાં નિમિત્ત હતી.