ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે રવિવારે (13 નવેમ્બર) ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઉત્તેજનાપૂર્ણ અને રોમાંચક જંગમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી કપ હાંસલ કર્યો હતો અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા હતા. વધુ મહત્ત્વની બાબત એ છે કે, ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વન-ડે ક્રિકેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયન છે, આ રીતે લિમિટેડ ઓવર્સના ક્રિકેટનો ડબલ તાજ તેના શિરે છે. આવી સિદ્ધિ પ્રાપ્ત કરનારી તે પહેલી જ ટીમ છે. ટી-20માં ઈંગ્લેન્ડનો આ બીજો ટાઈટલ વિજય છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ પણ ટી-20માં બે વખત ચેમ્પિયન બનવાનું બહુમાન હાંસલ કરી ચૂકી છે.
દુનિયાભરના ક્રિકેટ ચાહકોને સેમિ ફાઈનલ લાઈન અપ સ્પષ્ટ થયા પછી ભારત – પાકિસ્તાન વચ્ચે ફાઈનલની આશા હતી ત્યારે ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ભારતને 10 વિકેટે સજ્જડ પરાજયનો સૌથી કડવો સ્વાદ ચખાડ્યો હતો.
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતી પાકિસ્તાનને પહેલા બેટીંગ લેવા કહ્યું હતું. પાકિસ્તાને વિકેટે 137 રન કરતાં ઈંગ્લેન્ડ સામે વિજય માટે 138 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ઈંગ્લેન્ડે 5 વેકેટે 138 રન રોમાંચક વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે 49 બોલમાં અણનમ 52 રન કરી ટીમના વિજયમાં મુખ્ય પ્રદાન કર્યું હતું.
પ્રથમ બે મેચમાં પરાજય પછી પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટની બહાર થવાના આરે આવી ગઈ હતી. જોકે, ગ્રુપ સ્ટેજના અંતિમ દિવસે નેધરલેન્ડ્સ સામે સાઉથ આફ્રિકાનો પરાજય થતાં પાકિસ્તાનને સેમિફાઈનલની તક મળી ગઈ હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને તે અંતિમ ચારમાં પહોંચનારી છેલ્લી ટીમ હતી.
પાકિસ્તાન તરફથી સૌથી વધુ શાન મસુદે 38 અને બાબર આઝમે 32 રન કર્યા હતા. તો ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને સૌથી વધુ 3, આદિલ રશીદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સે એક વિકેટ લીધી હતી. સેમ કરનને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.