વર્લ્ડ કપ 2023માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડનો નિરાશાજનક દેખાવ ચાલુ રહ્યો હતો. બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ગુરુવાર, 26 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે આઠ વિકેટે હારી ગયું હતું અને તેનાથી સેમી ફાઇનલમાં પહોંચવાની તેની આશા ધૂંધળી બની છે. વિશ્વ કપની પાંચમાંથી ચાર મેચમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો છે.
ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 33.2 ઓવરમાં 156 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમે 157 રનનો ટાર્ગેટ 25.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનર પથુમ નિસાંકાએ અણનમ 77 રન અને સદિરા સમરવિક્રમા અણનમ 65 રન સાથે સદીની ભાગીદારી કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 122 બોલમાં 137 રન જોડ્યા હતા.
શ્રીલંકા સામેની હાર બાદ ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે જ્યારે શ્રીલંકા પાંચમાં સ્થાને આવી ગયું છે. આ હાર બાદ પણ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી સંપૂર્ણ રીતે બહાર નથી થયું. તેની પાસે ટોપ-4માં પહોંચવાની કેટલીક તકો છે.
ઈંગ્લિશ ટીમના ખાતામાં 5 મેચ, એક જીત અને 4 હાર બાદ 2 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની 4 મેચ બાકી છે. આવી સ્થિતિમાં આગામી તમામ મેચ જીત્યા બાદ પણ તે માત્ર 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ઇંગ્લિશ ટીમે ટોપ-4માં પ્રવેશવા માટે અન્ય ટીમના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. હવે તેની સ્પર્ધા ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનથી થશે.