એનર્જી પ્રાઇસને કંટ્રોલમાં રાખવાનું સમર્થન સરકારે પાછું ખેંચવાની જાહેરાત કર્યા બાદ સામાન્ય ડોમેસ્ટીક એનર્જી બિલ આગામી એપ્રિલથી એક વર્ષમાં £4,347 સુધી પહોંચી શકે છે. નવા ચાન્સેલર જેરેમી હન્ટે એનર્જી બિલની રકમ બે વર્ષ સુધી £2,000 સુધી સિમીત રાખવાનો નિર્ણય પાછો ખેંચી હવે માત્ર 6 માસ જ સમર્થન આપવાની અને એપ્રિલમાં તેની સમિક્ષા કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે જનતાએ એપ્રિલમાં એક વર્ષમાં £4,347 સુધી બિલ ભરવા પડી શકે છે.
શ્રી હંટે જણાવ્યું હતું કે ‘’એપ્રિલથી સમર્થનની સમીક્ષા કરાશે. જો કે ઓછી આવક ધરાવતા લોકોને ટેકો આપવામાં આવશે અને વધુ ઉર્જા કાર્યક્ષમ બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.’’ તો બીજી તરફ હોલસેલ એનર્જીના ભાવમાં હિલચાલના આધારે ભાવ વધારાની આગાહી બદલાઈ શકે છે.
નવા ચાન્સેલર, જેરેમી હંટે નાણાં બચાવવા માટે રચેલા પેકેજના ભાગ રૂપે એનર્જીના સપોર્ટમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. સરકારની એનર્જી પ્રાઈસ ગેરંટી હવે ફક્ત છ મહિના માટે જ રહેશે.
બે વર્ષ માટે એનર્જીની કિંમતોને મર્યાદિત કરવાની મૂળ યોજના હેઠળ £150 બિલિયનનો ખર્ચ માનવામાં આવે છે. સરકારે વધારે ઋણ લેવું પડશે તેવી ચિંતાઓને કારણે નાણાકીય બજારોમાં ઉથલપાથલ થતાં હાઉસીંગ મોર્ગેજ માર્કેટમાં તેજી આવી હતી અને લોન પરના વ્યાજ દરો 14 વર્ષની ટોચે પહોંચી ગયા હતા.