સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગે સ્થાનિક સમુદાયને વધારે બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે એક યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર નોકરી કરતી મહિલાઓને ૩૬૫ દિવસની માતૃત્વ રજા તેમજ પુરુષ કર્મચારીઓને ૩૦ દિવસની પિતૃત્વ રજા આપશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર મહિલા કર્મચારીને બીજા બાળક પર એક વેતન વૃદ્ધિ અને ત્રીજા બાળક પર બે વેતન વૃદ્ધિ આપશે.
સિક્કિમમાં પ્રજ્નન દરમાં ઘટાડો થયો છે. પ્રતિ મહિલા એકથી ઓછા બાળક નોંધવામાં આવ્યા છે. જેથી સ્થાનિક સમુદાયની વસ્તી સતત ઘટી રહી છે. પ્રેમ સિંહ તમાંગે સરકારની યોજના વિશે જણાવ્યું કે, તેમની સરકારે સિક્કિમની હોસ્પિટલોમાં આઈવીએફની સુવિધાની શરૂઆત કરી છે. જેથી કરીને આ વિષયને લઈને સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓને ગર્ભઘારણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ માધ્યમથી બાળક પેદા કરનાર મહિલાને રૂ.૩ લાખની ગ્રાંટ આપવામાં આવશે.