યુકેના કરી ઉદ્યોગના અગ્રણી, સફળ રેસ્ટોરેચર, સ્પાઇસ બિઝનેસ મેગેઝિન અને પ્રતિષ્ઠિત બ્રિટિશ કરી એવોર્ડ્સના સ્થાપક તથા બાંગ્લાદેશી સમુદાયના સૌથી આદરણીય ઇનામ અલી MBEનું કેન્સર સામે બે વર્ષની બહાદુરીભરી લડત બાદ 61 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન યુકેના કરી ઉદ્યોગને લોકપ્રિયતા અપાવી હતી અને બિન-નિવાસી બાંગ્લાદેશી (NRB) સમુદાયમાં પ્રગતિ કરીને એક અદ્ભુત વારસો બનાવ્યો હતો.
તેમણે પોતાના સમાજમાં બદલાવ લાવી તેને આકાર આપવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. ઘણા વર્ષોના તેમના સમર્પણ અને સખત મહેનતને પગલે તમામ લોકો દ્વારા તેમને યાદ કરવામાં આવશે.
તેમણે વિવિધ સખાવતી સંસ્થાઓ માટે 2 મિલિયન પાઉન્ડ એકત્ર કર્યા અને વિવિધ પ્રતિષ્ઠિત બિઝનેસીસ, ફાઉન્ડેશનો અને સંસ્થાઓમાં સલાહકાર, ગવર્નિંગ બોડીના સદસ્ય અને ડિરેક્ટરના હોદ્દાઓ સંભાળ્યા હતા.
તેઓ કરી રેસ્ટોરન્ટ ઉદ્યોગને મુખ્ય પ્રવાહમાં લાવ્યા હતા અને કરી ઉદ્યોગના ટાઇટન્સ, રાજકારણીઓ, VIPs, મહાનુભાવો, સેલિબ્રિટીઝ અને જાહેર વ્યક્તિઓ સાથે મળીને અન્યોની સિદ્ધિઓની સફળ ઉજવણી કરી હતી.