છેલ્લા ઘણા સમયથી ઇમરાન હાશ્મીની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ છે, જોકે, તેના પરફોર્મન્સના વખાણ થયા છે. હવે તેણે પણ બોલીવૂડના અન્ય સ્ટાર્સની જેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં નસીબ અજમાવ્યું છે. તે સાઉથની એક ફિલ્મમાં વિલન તરીકે પદાર્પણ કરી રહ્યો છે.
ઇમરાન હાશ્મી તેલુગુ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ઓ જી (ઓરિજિનલ ગેન્ગસ્ટર) ફિલ્મમાં ખલનાયક તરીકે દેખાશે. આ એક એકશન ફિલ્મ હશે અને અભિનેતા પવન કલ્યાણ તેલુગુ સિનેમાનો પાવર સ્ટાર તરીકે ઓળખાય છે.
ફિલ્મ ઓ જીના સર્જકે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી શેર કર્યું છે કે, જ્યારે અમારી પાસે ઓ જી છે, તો અમારી પાસે એક એવો વિલન પણ હોવો જરૂરી છે, જે પાવરફુલ સ્ટ્રાઇકિંગ હોય. લો તમારી સામે હાજર છે, ઇમરાન હાશ્મી.
સાથે મુકેલી તસવીરમાં ઇમરાન હાશ્મી ચેક્સવાળો શાનદાર કોટ અને ગોગલ્સ પહેરેલો જોવા મળે છે. ઇમરાને ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા છે.
બોલીવૂડમાં તેની છેલ્લી રિલીઝ ફિલ્મ અક્ષયકુમાર સાથેની સેલ્ફી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી. એ પહેલા પણ તેની વ્હાય ચીટ ઇન્ડિયા, ધ બોડી, મુંબઇ સાગા, ચેહરે ફિલ્મ રિલીઝ થઇ હતી જે ફ્લોપ ગઇ હતી.
આ સ્થિતિમાં ઇમરાનની કારકિર્દીને સાઉથથી મોટો ફાયદો મળી શકે એમ છે. પવન કલ્યાણ તેલુગુનો ટોચનો સ્ટાર કહેવાય છે. આ ઉપરાંત ઓ જી એક પાન ઇન્ડિયા ફિલ્મ છે, જે હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે.