વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21-24 જૂનની યાત્રા પહેલા અમેરિકાએ જણાવ્યું હતું કે અમેરિકાની કોન્સ્યુલર ટીમો ભારતમાં શક્ય તેટલી વધુ વિઝા અરજીઓ પ્રોસેસ કરવા માટે જોરદાર ભાર મૂકી રહી છે અને આ પ્રોસેસને ટોચની પ્રાથમિકતા આપી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત દરમિયાન ભારત મુત્સદ્દીગીરી, ઇમિગ્રેશન અને વિઝાના મુદ્દાઓ અંગે યુએસ પાસેથી શું અપેક્ષા રાખી શકે છે તેવા સવાલના જવાબમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે “વિઝાના સંદર્ભમાં, અમારી કોન્સ્યુલર ટીમો શક્ય જેટલી વિઝા અરજીઓ પ્રોસેસ કરવા માટે જોરદાર ભાર મૂકી રહી છે. તેમાં દ્વિપક્ષીય સંબંધો માટે ચાવીરૂપ ગણાતી વિઝા કેટેગરીનો પણ સમાવેશ થાય છે. અમારી સરકાર માટે આ ટોચની પ્રાથમિકતા છે. “અમે જાણીએ છીએ કે અમે કરી શકીએ તેનાથી વધુ કામ છે. અને અમે તે કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.
એ જ પ્રેસ બ્રીફિંગમાં, મેથ્યુ મિલરે ભારત સાથે યુએસની ભાગીદારીને “સૌથી વધુ પરિણામલક્ષી સંબંધો” તરીકે ગણાવી હતી અને ઉમેર્યું કે બંને રાષ્ટ્રો સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર નજીકથી કામ કરે છે. PM નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે.