ઓસ્ટ્રેલિયાની મહિલા સ્વિમર ઈમા મેકકેઓને સ્વિમિંગ ઈવેન્ટના છેલ્લા દિવસે ૪ x ૧૦૦ મીટર મેડલેમાં ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેની સાથે સાથે તેણે ૫૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે, ઈમાએ ટોક્યો ઓલિમ્પિકમાં સાત ઈવેન્ટમાં ભાગ લઈ દરેકમાં મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. તેની સફળતા ચાર ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલની રહી હતી.
આ ઓલિમ્પિક્સમાં આગવું પ્રભુત્વ જમાવી ચૂકેલી ઈમાએ એક જ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ પ્રાપ્ત કરવાના સોવિયત જિમ્નાસ્ટ મારીઆ ગોરોખોવ્સ્કાયાના રેકોર્ડની બરોબરી કરી હતી. મારીઆએ ૧૯૫૨ના હેલસિંકી ઓલિમ્પિકમાં બે ગોલ્ડ અને પાંચ સિલ્વર એમ કુલ સાત મેડલ્સ હાંસલ કર્યા હતા.
તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડી તરીકેનું ગૌરવ પણ હાંસલ કરી લીધું છે. ૨૦૧૬ના રીઓ ઓલિમ્પિક અને ૨૦૨૦ના ટોક્યો ઓલિમ્પિક એમ બે ઓલિમ્પિકમાં તેના કુલ મેડલની સંખ્યા ૧૧ થઈ ગઈ છે. તે ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્વિમર ઈયાન થોર્પ અને લેઈસલ જોન્સની સફળતાઓથી પણ આગળ નિકળી ગઈ છે.