અમેરિકામા કોરોના વાઇરસની મહામારી એટલી વધી ગઇ છે કે અહીંના ન્યૂયોર્ક શહેરમાં જ એટલા કેસો સામે આવ્યા છે જેટલા ચીન અને બ્રિટનમાં પણ નથી આવ્યા. જેને પગલે હવે અમેરિકાના ૫૦ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. અમેરિકામાં હાલ ૧.૭ કરોડ લોકોની નોકરી જોખમમાં છે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત ૫૦ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. અનેક લોકોના મોત નિપજ્યા છે અને સાથે કરોડો બેરોજગાર બની ગયા છે. ન્યૂયોર્ક સિટી પર નજર કરીએ તો ત્યાં હાલ ચીન અને બ્રિટન કરતા પણ કેસોનો આંકડો વધી ગયો છે, આ શહેરમાં અત્યાર સુધીમાં એક લાખ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
જે બ્રિટન અને ચીનના કેસોની સરખામણીએ વધુ છે. રવિવારે જ બીજા પાંચ હજાર કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં ૮૫ હજાર કેસો છે જ્યારે ચીનમાં આ આંકડો ૭૧ હજારનો હતો. આખા અમેરિકા પર નજર કરીએ તો કુલ ૫૫૭,૩૦૦ કેસો સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં ૨૨ હજાર લોકો માર્યા ગયા છે.
જ્યારે વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો કોરોના વાઇરસે અત્યાર સુધીમાં ૧,૧૪,૫૩૯ લોકોનો ભોગ લીધો છે. વિશ્વના ૧૯૩ દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનામાં ચીનથી શરૃ થયેલો આ વાઇરસ હવે આખા વિશ્વને ભરડામાં લઇ ચુક્યો છે. જોકે આંકડો હજુ પણ વધી શકે છે કેમ કે અનેક દેશોમાં માત્ર શંકાસ્પદ લોકોનો જ ટેસ્ટ થઇ રહ્યો છે જ્યારે અન્ય દેશોની જેમ તપાસ નથી થઇ રહી.
જે ચીનમાં કોરોના વાઇરસની શરૃઆત થઇ હતી ત્યાં ફરી નવા ૧૦૦ કેસો સામે આવ્યા છે જ્યારે મૃત્યુઆંક ૩,૩૪૧ને પાર પહોંચી ગયો છે. અમેરિકામાં અનેક ભારતીયો પણ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયા છે. અહીં ત્રણ ઇન્ડિયન અમેરિકનની સારવાર સફળ રહી છે અને તેઓને સાજા કરી લેવામાં આવ્યા છે. જ્યારે સિંગાપોરમાં જે નવા ૨૩૩ કેસો સામે આવ્યા છે તેમાં ૫૯ ભારતીયો છે અને તેમની સારવાર ચાલી રહી છે.