વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક માલિક બન્યા પછી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરમાં ઉથલપાથલ ચાલે છે. મસ્કે ગુરુવારે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નાદારીની ચેતવણી ઉચ્ચારી હતી.
બિલિયોનેરે એક કોલમાં ટ્વીટરના કર્મચારીઓને જણાવ્યું હતું કે તેઓ નાદારીની શક્યતા નકારતા નથી. બે સપ્તાહ પહેલા જ મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વીટર ખરીદી છે. કંપનીના બે એક્ઝિક્યુટિવ યોલ રોથ અને રોબિન વ્હિલર્સે રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. ગુરુવારે ચીફ સિક્યોરિટી ઓફિસર લી કિસનેરે રાજીનામનું ટ્વીટ કર્યું હતું. ચીફ પ્રાઇવેસી ઓફિસર ડેમિયન કીયરેન અને ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસર મેરિની ફોર્ગીટેએ પણ અલવિદા કહી છે.
27 ઓક્ટોબરે ટ્વીટરના માલિક બન્યા બાદ મસ્કે જણાવ્યું હતું કે કંપની દરરોજ 4 મિલિયન ડોલર ગુમાવી રહી છે, કારણ કે એડવર્ટાઇઝર્સ ભાગી રહ્યાં છે. મસ્કે 12 બિલિયન ડોલરનું દેવું કર્યું છે, જેના પર 1.2 બિલિયન ડોલરનું 12 મહિનામાં વ્યાજ ચુકવવું પડશે. આ ચુકવણી ટ્વીટરની 1.1 બિલિયન ડોલરની કેશ ફ્લો કરતાં વધુ છે.
મસ્કે ગયા સપ્તાહે 50 ટકા કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. તેઓ ટ્વીટર બ્લી સર્વિસ માટે માસિક 8 ડોલરનો ચાર્જ વસૂલી રહ્યાં છે.રાજકીય ટીપ્પણી માટે જાણીતા મસ્ક સામે સરકારનું પણ દબાણ આવી શકે છે. યુએસ પ્રેસિડન્ટ જો બાઇડને બુધવારે જણાવ્યું હતું કે બીજા દેશો સાથેના મસ્કના સહકાર અને ટેકનિકલ સંબોધો તપાસને લાયક છે.