વિશ્વની આઇકોનિક ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે તેવા અહેવાલો વચ્ચે ટેસ્લાના વડા ઇલોન મસ્ક ચાલુ મહિને ભારતના પ્રવાસે આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ પછી તેઓ ભારતમાં નવી ફેક્ટરીની સ્થાપના કરવા અંગેની જાહેરાત કરશે, એમ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. મસ્ક ૨૨ એપ્રિલના સપ્તાહમાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્લાના સીઇઓ મસ્ક સાથે અન્ય એક્ઝિક્યુટિવ્સ પણ ભારતની મુલાકાતે આવશે. જોકે, તેમની મુલાકાતની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. મસ્કના ભારત પ્રવાસનો એજન્ડા હજુ પણ બદલાઈ શકે. મસ્કની ટીમ નવા પ્લાન્ટના સ્થળ તરીકે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ ધરાવતા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અગાઉ મસ્ક અને મોદી જૂનમાં ન્યૂયોર્ક ખાતે મળ્યા હતા. ટેસ્લાએ ઘણા મહિના સુધી ભારતને ઇલેક્ટ્રિક વાહનો પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા માટે લોબિંગ કર્યું હતું. જોકે, ભારતે દેશમાં કારના ઉત્પાદનનો આગ્રહ રાખ્યો હતો. ભારતે ગયા મહિને નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી લોન્ચ કરી હતી. જેમાં કંપની ભારતમાં ૫૦ કરોડ ડોલરનું રોકાણ કરે અને પ્લાન્ટ શરૂ કરે તો અમુક મોડલ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૧૦૦ ટકાથી ઘટાડી ૧૫% કરવાની જોગવાઈ છે.

મીડિયાના અહેવાલોમાં અગાઉ ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સ એપ્રિલમાં ભારતની મુલાકાત લેશે એવું જણાવવામાં આવ્યું હતું. જેમાં કંપની દ્વારા લગભગ બે અબજ ડોલરના રોકાણ અને ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્લાએ ભારતને નિકાસ માટે તેના જર્મની ખાતેના પ્લાન્ટ રાઇટ-હેન્ડ ડ્રાઇવ કાર્સનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. મસ્કે ચાલુ સપ્તાહે એક્સ પર જણાવ્યું હતું કે, “ભારતમાં અન્ય દેશો જેવી જ ઇલેક્ટ્રિક કાર હોવી જોઇએ. ટેસ્લા માટે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ સ્વાભાવિક પ્રક્રિયા છે.”

મસ્કનો ભારત પ્રવાસ બહુ મહત્વનો ગણાય છે. નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી હેઠળ મર્યાદિત પ્રમાણમાં $૩૫,૦૦૦ કે વધુ કિંમતની ઇવી પેસેન્જર કાર્સને સરકારના મંજૂરી પત્રની તારીખથી 5 વર્ષ સુધી ૧૫ ટકાની નીચી કસ્ટમ્સ કે ઇમ્પોર્ટ ડ્યૂટી સાથે આયાતની મંજૂરી આપવામાં આવશે. અત્યારે સંપૂર્ણપણે તૈયાર કારની આયાત પર એન્જિનના કદ અને ખર્ચને આધારે ૭૦થી ૧૦૦% કસ્ટમ્સ ડ્યૂટી લાગુ પડે છે.

LEAVE A REPLY