ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અંગેના 2018ના ટ્વીટ અંગેના એક કેસમાં નવ સભ્યોના જ્યુરીએ ઇલોન મસ્કની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્યુરીએ જણાવ્યું હતું કે મસ્કે આ ટ્વીટ સાથે ટેસ્લાના શેરહોલ્ડર્સ સાથે કોઇ છેતરપિંડી કરી ન હતી. મસ્કે ટેસ્લાને પ્રાઇવેટ કંપની બનાવવા અંગેની ટ્વીટ કરીને તેના માટે નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ હોવાની ટ્વીટ કરી હતી. આ ટ્વીટથી મસ્ક સામે રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો હતો.
ત્રણ સપ્તાહની ટ્રાયલ પછી બે કલાક કરતાં ઓછા સમયના વિચારવિમર્શ બાદ જ્યુરીએ આ ચુકાદો આપ્યો હતો. અબજોપતિ મસ્ક પોતાનો બચાવ કરવા માટે આશરે આઠ કલાક સુધી વિટનેસ સ્ટેન્ડમાં રહ્યાં હતા.
ઓગસ્ટ 2018માં મસ્કે ટ્વીટ કર્યું હતું કે તેઓ શેરદીઠ 420 ડોલરના ભાવે ટેસ્લાને ખાનગી કંપની બનાવવાની વિચારણા કરી રહ્યાં છે અને ફંડિંગની વ્યવસ્થા થઈ ગઈ છે તથા રોકાણકારોના સપોર્ટને પુષ્ટી મળી છે. શેરનો આ ભાવ 7 ઓગસ્ટ 2018ના ટેસ્લાના બંધ ભાવ કરતાં આશરે 23 ટકા વધુ હતો. તેનાથી ટેસ્લાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જોકે પછીથી સ્પષ્ટ થયું હતું કે ટેસ્લાના પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી મસ્ક શેરની ખરીદી કરશે નહીં, તે પછી ટેસ્લાના ભાવમાં કડાકો બોલાયો હતો. તેનાથી શેરહોલ્ડર્સે મસ્ક સામે અબજો ડોલરનો દાવો માંડ્યો હતો.
ચુકાદાનો વાંચન થતું હતું ત્યારે મસ્ક હાજર રહ્યાં ન હતા, પરંતુ કોર્ટમાં અંતિમ દલીલો વખતે શુક્રવારે સરપ્રાઇઝ હાજરી આપી હતી. જ્યુરીનો ચુકાદો આવ્યા બાદ મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભગવાનનો આભાર, લોકોની શાણપણનો વિજય થયો છે.
ટેસ્લાના શેરહોલ્ડર્સ વતી હાજર રહેલા એટર્ની નિકોલસ પોરિટે જણાવ્યું હતું કે તેઓ નિરાશ થયા છે. તેમણે મસ્કને અવિચારી વર્તણૂક બદલ ઠપકો આપવા માટે જ્યુરીને વિનંતી કરી હતી. આ કેસમાં મસ્કની વિશ્વસનીયતા દાવ પર હતી. જો જ્યુરીએ આ કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હોય તો તે અબજો ડોલરનું વળતર ચુકવવું પડ્યું હતું.