યુક્રેન પર રશિયાના આક્રમણની પૂર્વભૂમિકામાં બ્રિટનના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રસ ગુરુવારે ભારતની મુલાકાત લેશે. આ યાત્રાની જાહેરાત કરતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રસ તેમની યાત્રા દરમિયાન દ્વિપક્ષીય તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા અંગે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વિચારવિમર્શ કરશે.
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી પશ્ચિમી દેશોના સંખ્યાબંધ નેતાઓ ભારતની તાબડતોડ યાત્રા કરી રહ્યાં છે, જેમાં ઓસ્ટ્રિયા અને ગ્રીસના વિદેશ પ્રધાનો તથા યુએસ અંડર સેક્રેટરી ઓફ ઓફ સ્ટેટ ફોર પોલિટિકલ અફેર્સ વિક્ટોરિયા ન્યૂલેન્ડની મુલાકાતનો સમાવેશ થાય છે. ટ્રસ અને જયશંકર વચ્ચેની બેઠકમાં યુક્રેનની ગતિવિધિ અંગે વિગતવાર ચર્ચા થવાની ધારણા છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ મુલાકાતથી વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, પર્યાવરણી સહકાર, શિક્ષણ અને ડિજિટલ કમ્યુનિકેશન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણી ભાગીદારી વધુ મજબૂત બનશે.”
ટ્રસ ઇન્ડિયા-યુકે સ્ટ્રેટેજિક ફ્યૂચર્સ ફોરમની પ્રથમ એડિશનમાં પણ ભાગ લેશે. ગયા વર્ષના મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચેની ઇન્ડિયા-યુકે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી સુધી આગળ વધ્યાં છે. આ શિખર બેઠકમાં બંને પક્ષોએ વેપાર અને અર્થતંત્ર, સંરક્ષણ અને સુરક્ષા, પર્યાવરણીય પરિવર્તન, લોકો વચ્ચેના સંપર્ક જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સંબંધોમાં વધારો કરવા માટે 10 વર્ષનો રોડમેપ સ્વીકારવામાં આવ્યો હતો. આ વર્ચ્યુઅલ સમીટ પછી યુકેના વિદેશ પ્રધાનની આ બીજી ભારત મુલાકાત છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રસની મુલાકાતથી રોડમેપ 2020ની પ્રગતિની સમીક્ષા કરવાની પણ તક મળશે.