લોકો જેનો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે નવી £18.9 બિલિયનના ખર્ચે સ્થાપાયેલી એલિઝાબેથ લાઇન પર ચાલતી પ્રથમ ટ્રેન તા. 24ના રોજ લોન્ચ થયાના પ્રથમ થોડા કલાકોમાં જ 130,000 થી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
સાઉથ ઇસ્ટ લંડનના એબી વૂડથી પેડિંગ્ટન સ્ટેશનની પ્રથમ ટ્રેનમાં સવારી કરવા માટે લોકો એકઠા થયા હતા. સવારે 8:30 કલાકે ફાયર એલાર્મને કારણે રૂટ પરનું મુખ્ય હબ પેડિંગ્ટન સ્ટેશન ખાલી કરવામાં આવ્યું ત્યારે થોડી અડચણ આવી. લંડન ફાયર બ્રિગેડ (LFB) એ લગભગ 30 મિનિટ પછી જણાવ્યું હતું કે એલાર્મ આકસ્મિક રીતે શરૂ થયું હતું.
લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે જ્યારે તે પેડિંગ્ટન ખાતે ટ્રેનમાં ચઢ્યા ત્યારે તેમને “ક્રિસમસ પહેલાના નાના છોકરા” જેવું લાગ્યું હતું.
એલિઝાબેથ લાઇન મધ્ય લંડન થઈને ઇસ્ટના એસેક્સને પશ્ચિમમાં રીડિંગ સાથે જોડે છે.
પેડિંગ્ટન અને એબી વુડ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ અડધો થઈ ગયો છે. પેડિંગ્ટન કનેક્શનને કારણે બ્રિસ્ટોલ જેવા સ્થળોની ઝડપી મુસાફરી પણ થશે.
એલિઝાબેથ લાઇનના ભાડા લંડન અંડરગ્રાઉન્ડના ભાડા જેટલાં જ છે. કોન્ટેક્ટલેસ પે-એઝ-યુ-ગો દ્વારા ભાડુ ચૂકવી શકાશે. £19 બિલિયનના કુલ ખર્ચ સાથે યુરોપના સૌથી મોટા બાંધકામ પ્રોજેક્ટ એલિઝાબેથ રેલ લાઇનમાં 42 કિમીની નવી ટનલ બનાવાઇ છે. આ માટે 10,000 કામદારોએ કામ કર્યું હતું ને તેને બનતા 13 વર્ષ લાગ્યા હતા. લંડનમાં 10 નવા સ્ટેશન બનાવાયા હતા.