ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે તાજેતરમાં નિધન થયું છે. ઈલિંગવર્થ ઘણાં લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. તે ઓફ સ્પિન ઓલરાઉન્ડર હતા અને તેમણે કારકિર્દીની શરૂઆત 19 વર્ષની ઉમરે 1951માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી કરી હતી. ઈલિંગવર્થે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 787 મેચ રમીને 24,143 રન કર્યા હતા અને 2,072 વિકેટ લીધી હતી. તેણે પોતાની કેપ્ટનશિપમાં જ યોર્કશાયર ટીમને સતત ત્રણ વખત (1966થી 1968 સુધી) કાઉન્ટી ચેમ્પિયન બનાવી હતી.
તેઓ 1958થી 1973 સુધી ઈંગ્લેન્ડ માટે 61 ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમ્યા હતા. ઈલિંગવર્થે ટેસ્ટમાં 1836 રન કર્યા હતા અને 122 વિકેટ લીધી હતી. વન-ડેમાં તેમણે ઈનિંગમાં ફક્ત 5 રન કર્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી. તેમણે પોતાની કેપ્ટનશિપમાં જ 1970-71ની એસીઝ સીરિઝમાં ટીમને 2-0થી ભવ્ય વિજય અપાવ્યો હતો.