લંડનના વાયુ પ્રદૂષણ, આબોહવની કટોકટી અને ટ્રાફીકની ભીડની સમસ્યાઓનો સામનો કરવા માટે મેયર સાદિક ખાને આખા લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન ULEZનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેતા હવે બહુ જુના વાહનોના ચાલકોએ £12.50નો દૈનિક ચાર્જ ભરવો પડશે. આ યોજનાને ઑગસ્ટ 2023થી મલમાં મૂકાશે અને ULEZની સરહદ નોર્થ અને સાઉથ સર્ક્યુલર રોડથી આગળ વધી સમગ્ર ગ્રેટર લંડનને આવરી લેશે.
મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે ‘’મેં ULEZને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું છે. આપણે વાયુ પ્રદૂષણ, આબોહવાની કટોકટી અને ભારે ટ્રાફિકની ભીડનો સામનો કરવાની જરૂર છે. આ વિસ્તરણનો અર્થ એ થશે કે આવતા વર્ષે 29 ઓગસ્ટથી લંડનના 50 લાખથી વધુ લોકો સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકશે.”
લંડનના મેયર તરીકેના તેમના છ વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો નીતિગત નિર્ણય છે.
આ માટેના જાહેર પરામર્શ બાદ, તેમણે સૌથી વધુ પ્રદૂષિત વાહનો માટે £12.50નો ULEZ દૈનિક ચાર્જ લાગુ કરવાનું નક્કી કરતા મેયરલ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. સિટી હોલનું કહેવું છે કે ULEZથી સેન્ટ્રલ લંડનમાં 44 ટકા અને ઇનર લંડનમાં 20 ટકા પ્રદૂષણ ઘટ્યું છે. દર વર્ષે નબળી હવાની ગુણવત્તાને કારણે આઉટર લંડનના બરોમાં લોકોના મરણ થાય છે.
આ માટે સીટી હોલ £110 મિલિયનની સ્ક્રેપેજ સ્કીમ અંતર્ગત લંડનવાસીઓને બિન-અનુસંગત વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપશે અને કાં તો નાની ગ્રાન્ટ ઉપરાંત બે મફત વાર્ષિક બસ અને ટ્રામ પાસ આપશે. તો વિકલાંગ લોકોને વાહનોમાં ફેરફાર કરવા માટે ઓક્ટોબર 2027 સુધીનો સમય મળશે અને નોન પ્રોફીટ સંસ્થાઓને ઓક્ટોબર 2025 સુધીનો સમય મળશે.
આઉટર લંડનમાં TfL દ્વારા બસ નેટવર્કનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કરી બસ નેટવર્કમાં ક્રમશઃ એક મિલિયન વધારાના કિલોમીટરની યાત્રા ઉમેરવામાં આવી છે. જેમાં કેટલાક નવા રૂટ હશે તો કેટલાક મહત્વના આઉટર લંડન ‘ઓર્બિટલ’ બસ રૂટ પર વધારાની બસો દોડાવાશે.
જો કે ખાન પણ અયોગ્ય જાહેર પરામર્શ પદ્ધતિઓના કારણોસર હવે કાનૂની કાર્યવાહીની સંભાવનાનો સામનો કરી રહ્યા છે.