એશિયન ગેંગ દ્વારા ગૃમ કરી પોતાના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના જૂઠાણાં ફેલાવનાર નોર્થ ઇંગ્લેન્ડના કમ્બ્રીયાના બેરો-ઇન-ફર્નેસ ખાતે રહેતી 23 વર્ષીય એલેનોર વિલિયમ્સને ન્યાયના માર્ગને બગાડવાના આરોપસર દોષીત ઠેરવી સાડા આઠ વર્ષની જેલ કરવામાં આવી હતી.
ફક્ત બીબીસી સાથે શેર કરવામાં આવેલા ત્રણ વર્ષના સમયગાળાના વીડિયો ફૂટેજની તપાસ કરાતા સિરિયલ ફેન્ટાસ્ટિસ્ટ એલેનોર વિલિયમ્સની છેતરપિંડી બહાર આવી હતી. એક વિડિયોમાં તેણીને માદક દ્રવ્યોના નશાની અસર તળે સ્વેચ્છાએ ચહેરા પરના ઘા સાથે દર્શાવવામાં આવી હતી.
2020માં સોશિયલ મીડિયા પર તેના ઉઝરડા ધરાવતા ચહેરા અને શરીરના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી એશિયન પુરુષોની ગેંગ દ્વારા માર મારી બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યા બાદ એલેનોર વિલિયમ્સ વાઇરલ થઇ હતી. વિલિયમ્સની ફેસબુક પોસ્ટ લાઇવ થયાના એક કલાક પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેના આરોપોના કારણે બેરોમાં હેટ ક્રાઇમના બનાવોમાં વધારો થયો હતો અને એશિયન સમુદાયના રહેવાસીઓને મૃત્યુની ધમકીઓ, મૌખિક દુર્વ્યવહાર, થૂંકવાના બનાવો સાથે બિઝનેસીસની તોડફોડ કરવામાં આવી હતી.
વિલિયમ્સ 16 વર્ષની હતી ત્યારે 2017માં તેણીએ પ્રથમ વખત બળાત્કારનો આરોપ મૂક્યો હતો. અઢાર મહિના પછી તેણે બીજી વ્યક્તિ પર ખોટા જાતીય આરોપો કર્યા હતા. જેને 10 અઠવાડિયા જેલમાં ગાળવા પડ્યા હતા.
નવેમ્બર 2019માં તેણે અગાઉ કરતાં વધુ ગંભીર આરોપો મૂકી કહ્યું હતું કે “છરો ધરાવતી વ્યક્તિએ મને મારા વાળથી બાથરૂમમાં ખેંચી, નગ્ન કરી અને શાવર હેડ વડે માથામાં માર માર્યો હતો. તો તેના અઠવાડિયા પછી, વિલિયમ્સે એશિયન ગ્રુમિંગ ગેંગ તેને પુરુષો સાથે સેક્સ કરવા દબાણ કરી રહી છે તેમ કહ્યું હતું. ડિટેક્ટીવ માને છે કે તેણીએ યુવાન શ્વેત સ્ત્રી પીડિતો અને એશિયન પુરૂષ ગુનેગારોને સંડોવતા અગાઉના ગૃમીંગના કૌભાંડોમાં સંશોધન કર્યું હતું.