ભારતમાં મુખ્ય ચૂંટણીપંચે સોમવારે રાષ્ટ્રીય મતદાતા દિને ઇલેક્ટ્રોનિકલ ચૂંટણી કાર્ડનો પ્રારંભ કર્યો છે. ચૂંટણી પંચે E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. એના દ્વારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ મતદાતા પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અરજી કરી હતી. પહેલી ફેબ્રુઆરીથી તમામ મતદાતાને આ સુવિધા મળવા લાગશે. ભારતના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે આ સ્કીમનો પ્રારંભ કર્યો હતો.
ફેબ્રુઆરીથી તમામ વોટર્સ પોતાના આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે. શરત એટલી છે કે તેમનો મોબાઈલ નંબર ચૂંટણીપંચ સાથી લિંક હોવો જોઈએ. જેમનો મોબાઈલ નંબર કમિશન સાથે લિંક નથી, તેમણે ECને પોતાની ડિટેલ્સ રી-વેરિફાઈ કરવાની રહેશે અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. ત્યારે જ તેઓ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ્સ પણ આધારની જેમ PDF ફોર્મેટમાં હશે. જેને Digilocker પર પણ સ્ટોર કરી શકશો.