70થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું સ્વતંત્ર પરીક્ષણ કરાયા બાદ ઇલેક્ટ્રિક કાર ખરીદતા ગ્રાહકોને કન્ઝ્યુમર ગ્રૂપ ‘વિચ?’ દ્વારા સલાહ આપવામાં આવે છે કે તેઓ જે કાર ખરીદે છે તેની રેન્જ ‘જાહેરાત કરતાં 20% ઓછી’ હોવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ અભ્યાસમાં કેટલીક કારને સંપૂર્ણ ચાર્જ થવા માટે અપેક્ષા કરતાં વધુ વીજળીની જરૂર પડે છે તેમ પણ જણાવાયું છે.
એટલે કે ઇલેક્ટ્રિક કાર એક વખત સંપૂર્ણ ચાર્જ કરાયા પછી દાવો કરાતો હોય કે તે 240 માઇલ દોડી શકે છે તો તે પાવર સમાપ્ત થાય તે પહેલાં 200 માઇલ કરતાં ઓછું હાંસલ કરે તેવી શક્યતા વધુ હોય છે.
જાણવા મળ્યું છે કે સરેરાશ ઇલેક્ટ્રિક કાર બેટરીને સંપૂર્ણ ચાર્જ થવા માટે જાહેરાત કરતાં 15 ટકા વધુ પાવરની જરૂર રહે છે. એટલે કે તેથી અપેક્ષા કરતાં વધુ ખર્ચ થશે. 2030 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવનાર છે. હાલમાં ઈલેક્ટ્રિક કારનો વેચાણમાં લગભગ 16.6 ટકા હિસ્સો છે.
ઇલેક્ટ્રીક કાર સામાન્ય રીતે ડ્યુઅલ કેરેજવે અને મોટરવે પર કરાતા ઝડપી ડ્રાઇવિંગને કારણે ઉર્જાનો વધુ વપરાશ કરે છે. આવી કારમાં રોડ-સાઇડ ચાર્જરનો ઉપયોગ વધુ ખર્ચાળ હોય છે જે ઘણી વખત સ્થાનિક ટેરિફ કરતાં છ ગણો વધારે હોઈ શકે છે. ખાસ કરીને ઠંડી સ્થિતિમાં આવી કારો રેન્જ ગુમાવે છે.
ટોચની પાંચ બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક કારની રેન્જની હકિકત
કાર | જાહેરાતના માઇલ | હકિકતના માઇલ |
ટેસ્લા મોડલ Y | 331 | 231 |
ટેસ્લા મોડલ 3 | 374 | 260 |
કિયા નીરો | 285 | 165-350 |
વૉક્સવેગન ID.3 | 265 | 209 |
નિસાન લીફ | 239 | 187 |
*અંદાજિત શ્રેણી EV ડેટાબેઝમાંથી આવેલ છે. |