ઈલેક્ટ્રિક કાર ચાલકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ તેમના વાહનોને આખી રાત ચાર્જ કરે જેથી ઠંડીના સમયમાં તેની બેટરીનું ચાર્જીંગ ધાર્યા કરતા વહેલું ખતમ ન થાય. લિથિયમ-આયન બેટરીઓ ઓછી કાર્યક્ષમ હોવાથી તાપમાનમાં ઘટાડો થવાથી ઇલેક્ટ્રીક વાહનની બેટરી સામાન્ય વાતાવરણની સરખામણીએ 10 થી 30 ટકાની વચ્ચે તેની ચાર્જીંગ ક્ષમતા ગુમાવી શકે છે. આ ઉપરાંત ઠંડી બેટરીઓ ચાર્જ થવામાં વધુ સમય લઈ શકે છે.
કન્ઝ્યુમર રિવ્યુ મેગેઝિન, ‘વ્હોટ કાર?’ને તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે ટેસ્ટ કરેલ 12 બેટરી સંચાલિત કારમાંથી, સૌથી ખરાબ ‘ઓરા ફંકી કેટ’નું પરિણામ હતું. બર્ફીલા હવામાન દરમિયાન તેની સંપૂર્ણ ચાર્જ કરાયેલી બેટરી કંપની દ્વારા દાવો કરાયેલ ડ્રાઇવિંગ રેન્જ કરતાં 32.8 ટકા ઓછી જણાઇ હતી. ટેસ્લા મોડલ વાય લોંગ રેન્જની બેટરી રેન્જમાં 17.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે તેની 331 માઈલની સત્તાવાર રેન્જની તુલનામાં સંપૂર્ણ ચાર્જ પર માત્ર 272 માઈલની મુસાફરી કરવા સક્ષમ બની હતી. રેનો મેગેન ઇ-ટેકની બેટરી 30 થી 32 ટકાની વચ્ચે ઘટી હતી.
શિકાગોમાં તાપમાન -18C સુધી ઘટી જવાના કારણે ટેસ્લા કારના ડ્રાઇવરો તેમના વાહનો ચાર્જ કરવામાં અસમર્થ બન્યા હોવાના અહેવાલ છે. ટો ટ્રક સાથે ચાર્જિંગ સ્ટેશનો પર કતાર લાગેલી જોવા મળી હતી. ટેસ્લાને ચાર્જ કરવામાં લગભગ 45 મિનિટનો સમય લાગતો હોય છે. પણ ઇલિનોઇમાં ડ્રાઇવરોએ ફરિયાદ કરી હતી કે તેમના વાહનોને ઓછામાં ઓછા બે કલાક માટે પ્લગ ઇન કરવાની જરૂર પડી હતી.