ચૂંટણીપંચે પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચના રિટર્નમાં એક નવી કોલમનો સમાવેશ કર્યો છે. તેનાથી ઉમેદવારો ડિજિટલ ચૂંટણીપ્રચાર માટે ખર્ચ કરેલા નાણાની પણ માહિતી ચૂંટણીપંચને આપવી પડશે.
અગાઉની ચૂંટણીઓમાં પણ ઉમેદવારો ડિજિટલ ચૂંટણીપ્રચારના ખર્ચનો હિસાબ રજૂ કરતા હતા, પરંતુ ચૂંટણીપંચે પ્રથમ વખત એક ખાસ કોલમ ઉમેરી છે. આ કોલમમાં ડિજિટલ ખર્ચ અંગેની માહિતી આપવાની રહેશે.
કોરોનાના ફેલાવાને રોકવા માટે ચૂંટણીપંચે 22 જાન્યુઆરી સુધી ચૂંટણીસભા, રોડ શો, પદયાત્રા જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકેલો છે. ચૂંટણીપંચના આ પ્રતિબંધને કારણે વિવિધ રાજકીય પક્ષો મતદાતા સુધી પહોંચવા માટે ડિજિટલ અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે.
ઉમેદવારોના ખર્ચના રિટર્નના ફોર્મેટમાં ફેરફાર કરીને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરની ચૂંટણી માટે પ્રથમ વખત આવી નવી કોલમ બનાવી છે. એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે પાર્ટીઓ અને ઉમેદવારો અત્યાર સુધી તેમના આવા ખર્ચની માહિતી જાહેર કરતા હતા. તેઓ ડિજિટલ પ્રચાર સહિતના ખર્ચની માહિતી આપતા હતા. તેઓ આ કેટેગરી હેઠળ આવા ખર્ચ દર્શાવતા હતા. હવે ડિજિટલ ખર્ચની વિગત માટે અલગ કોલમ બનાવવામાં આવી છે.
લોકપ્રતિનિધિ ધારા, 1951ની કલમ 10એ મુજબ નિર્ધારિત સમયગાળામાં ચૂંટણીખર્ચની માહિતી આપવામાં નિષ્ફળ રહેતા ઉમેદવારોને ચૂંટણીપંચ ત્રણ વર્ષ માટે ચૂંટણી લડતા અટકાવી શકે છે.