ઢાકામાં 15 નવેમ્બર, 2023ના રોજ ચૂંટણી સમયપત્રકની ઘોષણા પહેલાં રાજકીય પક્ષ ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશે પ્રોટેસ્ટ માર્ચ કાઢી હતી. REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશમાં બહુપ્રતીક્ષિત સામાન્ય ચૂંટણી 7 જાન્યુઆરીએ યોજવાની મુખ્ય ચૂંટણી કમિશનરે બુધવારે જાહેરાત કરી હતી. વિરોધ પક્ષ BNP અને તેના સાથી પક્ષો દ્વારા પારદર્શક ચૂંટણીઓ કરવા માટે બિન-પક્ષીય વચગાળાની સરકારની માંગણી સાથે હિંસક વિરોધ કરી રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચે આ જાહેરાત કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે રાષ્ટ્રને સંબોધન દરમિયાન ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના ઇતિહાસમાં આવી પ્રથમ જાહેરાત હતી. તેમણે બંધારણીય રીતે સ્વતંત્ર કમિશનના ચાર કમિશનરો સાથેની બેઠક પછી જાહેરાત કરી હતી કે 12મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી 7 જાન્યુઆરી, 2024 (રવિવારે) ના રોજ યોજાશે. ઉમેદવારી પત્રો સબમિટ કરવાનો છેલ્લો દિવસ 30 નવેમ્બર રહેશે અને નામાંકન પત્રોની ચકાસણી 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી થશે.ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર છે. ચૂંટણી સંસ્થા 18 ડિસેમ્બરે ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવશે.

ચૂંટણી પંચના વડાએ તમામ રાજકીય પક્ષોને સંઘર્ષ અને હિંસાનો માર્ગ છોડીને ઉકેલ શોધવા હાકલ કરી હતી. મતદાનની તારીખની જાહેરાત પહેલા બાંગ્લાદેશી સત્તાવાળાઓએ બુધવારે રાજધાની અને અન્ય મોટા શહેરોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત લાગુ કર્યો હતો.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઈસ્લામી જેવા તેના જમણેરી સાથીઓ પક્ષો  બિન-પક્ષીય વચગાળાની સરકારની રચના કરવા માટે વડા પ્રધાન શેખ હસીનાની સરકારના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. સત્તાધારી અવામી લીગે આ માંગને ફગાવી દઈને જણાવ્યું છે કે વડાપ્રધાન હસીના નેતૃત્વ હેઠળ ચૂંટણી યોજવામાં આવશે. વડાપ્રધાન બીએનપીને આતંકવાદી સંગઠન ગણાવે છે. તેમણે યુએસ અને અન્ય મોટા પશ્ચિમી દેશો દ્વારા વિપક્ષો સાથે વાતચીતની દરખાસ્તોને પણ નકારી કાઢી હતી.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments