ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્રાના વડપણ હેઠળની કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 26 સપ્ટેમ્બરે 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે.
ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસે ચૂંટણી ગેરરીતિઓ દૂર કરવાની અને ડુપ્લિકેટ વોટર્સને રદ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. અત્યારની કેન્દ્ર સરકારે દેશની બંધારણીય પ્રક્રિયાને નબળી પાડીને હાઇજેક કરી છે.
ચૂંટણી પંચ સાથેની બેઠકમાં ભાજપે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં ચૂંટણી ન યોજાય તેવું આયોજન કરવું કારણ કે ડિસેમ્બરમાં રાજ્યમાં ખૂબ લગ્ન પ્રસંગ હોય છે જેથી મતદાન ઓછું થઈ શકે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આ પહેલા પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી હતી. તે સમયે તેમણે તમામ જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે અમદાવાદમાં બે દિવસીય ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત કલેક્ટર અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. 2022ની ચૂંટણીની તૈયારીઓ માટે ચૂંટણી પંચની તે પહેલી મોટી બેઠક હતી.