ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મંગળવારે ભાજપના ભવ્ય વિજય બાદ ગાંધીનગર ખાતેના ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા હતા. ભાજપના કાર્યાલય પર મહિલા કાર્યકરોએ ગરબા રમીને વિજયોત્સવ મનાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આઈ કે જાડેજાએ ખેસ પહેરાવી મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતુ.
આ પ્રસંગે વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નહીં તેવા ચૂંટણી પરિણામ જોવા મળ્યાં છે. ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડશું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાત ભાજપનું જ ગઢ હતું, છે અને રહેશે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો સફાયો કર્યો છે. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.
ગુજરાત ભાજપના પ્રેસિડન્ટ સી આર પાટીલ અને પક્ષના કાર્યકરોનો આભાર માનતા રૂપાણીએ જણાવ્યું હતું કે આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે. સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી મોટી સફળતા નથી મળી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને આટલી બેઠકો મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યમાં નથી મળી તે કાર્યકતાઓ અને સીઆરની ટીમને કારણે થઈ છે. સીઆર પાટીલ અને સંગઠનની ટીમનો આભાર માનું છું.વિકાસની રાજનીતિ જ અમારો ચૂંટણીનો મુદ્દો હતો. 2022માં ફરી ભાજપની સરકાર બનશે. આવનારા દિવસોમાં ભાજપ ગુજરાતમાં સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે આગળ વધશે.
ભાજપે 2015નો વ્યાજ સાથે બદલો લીધોઃ પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવી મળ્યું છે. 2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ પાસે પાંચ જિલ્લા પંચાયતો હતી. આજે 31 પંચાયતોમાં સરેરાઈ ધરાવે છે. મે 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ 31 જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ આભાર. તમામ આગેવાનો, પ્રધાનો અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.