પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનr પ્રારંભિક મતગણતરી મુજબ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા છે, બીજી પંજાબમાં કોંગ્રેસને ઉથલાવીને આમ આદમી પાર્ટીની સત્તા આપવાની શક્યતા છે. મતગણતરી સવારે આઠ વાગ્યે ચાલુ થઈ હતી અને બપોર સુધીના મતગણતરીને ટ્રેન્ડ મુજબ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની કુલ 403 બેઠકોમાં ભાજપ 265 બેઠક પણ આગળ હતો. પંજાબ વિધાનસભાની કુલ 117 બેઠકોમાંથી અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી 90 બેઠકો પર આગળ હતી. ગઈ ચૂંટણીમાં વિજેતા બનેલી કોંગ્રેસનો સફાયો થયો હતો અને તે માત્ર 18 બેઠક પર આગળ વધી હતી.
ઉત્તરાખંડ વિધાનસભની કુલ 70 બેઠકોમાંથી ભાજપ 44 બેઠક પર આગળ હતો, જ્યારે કોંગ્રેસ 22 બેઠક પર આગળ હતી. ગોવા વિધાનસભાની કુલ 40 બેઠકોમાં ભાજપના ઉમેદવારો 18 બેઠક પર વિજયકૂચ પર ચાલી રહ્યાં હતા, જ્યારે કોંગ્રેસ 18 બેઠકો પર આગળ હતી.
મણીપુર વિધાનસભાની કુલ 60 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારો 30 બેઠકો પર આગળ હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવારો 10 બેઠકો પર આગળ હતી.
પાંચ રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ભાજપની સત્તા હોવાથી આ રિઝલ્ટ ભાજપ માટે મહત્ત્વનું પુરવાર થશે. પંજાબમાં હાલ કોંગ્રેસનું શાસન છે. આ રિઝલ્ટને 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવે છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ થઈ હતી. સૌ પ્રથમ પોસ્ટલ વોટની ગણતરી કરાઈ હતી અને તે પછી ઇવીએમ મતની ગણતરી ચાલુ થઈ હતી.
આ ચૂંટણી ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનું ભાવિ નિર્ધારિત કરશે. પંજાબમાં શિરોમણી અકાલી દળ અને પંજાબ લોક કોંગ્રેસ માટે પણ આ રિઝલ્ટ મહત્ત્વનું બનશે. ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ અને આપ પણ પોતાનું ભાવિ અજમાવી રહ્યાં છે.
એક્ઝિટ પોલમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશ અને મણીપુરમાં ભાજપને સ્પષ્ટ વિજય મળશે, જ્યારે પંજાબમાં કોંગ્રેસ પાસેથી આમ આદમી પાર્ટી સત્તા છીનવી લેશે. ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેવાની શક્યતા છે. યુપીમાં 2017ની ચૂંટણીમાં ભાજપને 312 બેઠકો મળી હતી અને એનડીએને કુલ 315 બેઠકો મળી હતી.
—