ભારતનું ચૂંટણી પંચ 14 ઓક્ટોબરે ગુજરાત અને હિમાચલપ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે તેવી વ્યાપક ધારણા હતી. પરંતુ ચૂંટણી પંચે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી છે અને ગુજરાતની નહીં. પરંપરાગત રીતે બે રાજ્યોમાં ચૂંટણી હંમેશા એકસાથે યોજાય છે.
ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ન હતી તે આશ્ચર્યજનક હતું, કારણ કે બે વિધાનસભાની મુદત છ મહિનાની મર્યાદામાં સમાપ્ત થાય છે અને આવા કિસ્સાઓમાં રાજ્યની ચૂંટણીઓ એકસાથે જાહેર કરવામાં આવે છે અને પરિણામો પણ એક તારીખે આવે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. બંને રાજ્યોની વિધાનસભાની સમાપ્તિ વચ્ચે 40 દિવસનું અંતર છે. નિયમો અનુસાર, તે ઓછામાં ઓછા 30 દિવસનો હોવો જોઈએ, જેથી એક પરિણામ બીજા પર અસર ન કરે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે “હવામાન જેવા ઘણા પરિબળો છે. અમે હિમાચલની ચૂંટણીઓ શિયાળાના બરફવર્ષાની શરૂઆત પહેલા યોજવા માંગીએ છીએ,” વધુમાં ઉમેર્યું કે કમિશને “વિવિધ હિતધારકો” સાથે પરામર્શ કર્યો હતો.
આદર્શ આચાર સંહિતાનો સમયગાળો પણ 70 દિવસથી ઘટાડીને 57 દિવસ કરવામાં આવ્યો છે.
2017 માં, નવેમ્બરની શરૂઆતમાં બંને રાજ્યોમાં મતદાન થયું હતું અને ડિસેમ્બરમાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું.
ચૂંટણીપંચની જાહેરાત મુજબ હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.