ચૂંટણી પંચે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. પંચે એકનાથ શિંદે જૂથને શિવેસનાનું નામ અને તીર-કમાનનું નિશાન આપવા આદેશ કર્યો છે. શિવસેનાનું વિભાજન થયું ત્યારથી પક્ષનું સત્તાવાર નામ અને ચૂંટણી ચિહ્ન કોને મળશે તેની ચર્ચા હતી. આથી બાળાસાહેબ ઠાકરેએ શરૂ કરેલા પક્ષનું સત્તાવાર નામ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેના જૂથને નહીં, પણ શિંદે જૂથને સોંપાયું છે. જોકે ઉદ્ધવ ઠાકરે જૂથે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.

છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે ચૂંટણી પંચના નિર્ણયની રાહ જોવાતી હતી ત્યારે ચૂંટણી પંચે તીર-કમાનનું નિશાન ફ્રીઝ કરી દીધું હતું. એટલે કે બંને જૂથને શિવસેનાના સત્તાવાર ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવા મનાઈ ફરમાવવામાં આવી હતી. અગાઉ યોજાયેલી પેટાચૂંટણીમાં શિંદે જૂથને બે તલવાર અને ઢાલ તેમજ ઉદ્ધવ જૂથને મશાલના ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવામાં આવી હતી. શિંદે જૂથના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ જણાવ્યું હતું કે, “આ અમારા માટે મોટો દિવસ છે. અમે વારંવાર કહેતા હતા કે આ નિર્ણય યોગ્યતાના આધારે લેવાવો જોઇએ. અમે કહેતા હતા કે અમે જ સાચી શિવસેના છીએ. હવે શિવસેનાના ઘણા લોકો અમારી સાથે જોડાશે. કારણ કે પક્ષનું પ્રતીક અને સત્તાવાર નામ જીત માટે જરૂરી તાકાત આપશે.” જ્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “રાજકીય પક્ષોનું બંધારણ આંતરિક વિવાદોના ઉકેલ માટે મુક્ત અને વાજબી પ્રક્રિયા પૂરી પાડે છે. આવી પ્રક્રિયામાં ફેરફાર મુશ્કેલ છે અને તેમાં સંગઠનના સભ્યોના વ્યાપક સમર્થન પછી જ તેમાં ફેરફાર શક્ય બની શકે.”

LEAVE A REPLY