ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે તેવી અટકળોને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં તેના સમય અનુસાર જ વિધાનસભા ચૂંટણી થશે અને તેને ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
ગુજરાતમાં જો નિર્ધારિત સમય પ્રમાણે ચૂંટણી યોજાય તો તેનો સમયગાળો ડિસેમ્બર મહિનાની આસપાસનો હોઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ગુજરાતથી નવેક મહિના વહેલી ચૂંટણી યોજવાની છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરમી વચ્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મોરચો સંભાળ્યો છે. તેવામાં ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી યોજાશે તેવી અટકળો શરુ થઈ હતી. આવી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપ કદીય ચૂંટણીની રણનીતિ સાથે ચાલનારો પક્ષ નથી.